અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદની ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં 4 નવેમ્બર 2026ના રોજ પરિણામ આવ્યું, અને એમાં સાહિત્ય પરિષદના પ્રમુખ પદે 3 વર્ષની મુદત માટે જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાત; સરકારી સાહિત્યકાર ગણાતા ઉષા ઉપાધ્યાયને જંગી, બહુમતીથી હરાવીને ચૂંટાઈ આવ્યા.
કિરીટ દુધાતને 824 મત મળ્યા, અને ઉષા ઉપાધ્યાયને 566 મત મળ્યા. આમ, કિરીટ દૂધાત 258 મતની જંગી સરસાઈથી ચૂંટાયા છે. એટલું જ નહીં, પણ સાહિત્ય પરિષદની 40 સભ્યોની મધ્યસ્થ સમિતિમાં પણ કિરીટ દૂધાતની પેનલ ભારે બહુમતીથી ચૂંટાઈ છે.
આ પરિણામે ‘સાહિત્ય પરિષદ’ને ‘સરકારી સાહિત્ય પરિષદ’ બનતી ફરી એકવાર અટકાવી દીધી છે. સાહિત્ય એકેડમીના હાલના અધ્યક્ષ અને પરમ મોદી ભક્ત મનાતા સાહિત્યકાર ભાગ્યેશ ઝાના સંપૂર્ણ આશીર્વાદ અને એમની તમામ સહાય છતાં ઉષા ઉપાધ્યાય પ્રમુખપદની ચૂંટણી હારી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉષા ઉપાધ્યાયને છેલ્લા 2 વર્ષથી સરકારી સાહિત્ય એકેડમી દ્વારા ગુજરાતી સાહિત્યના અનેક કાર્યક્રમોમાં પ્રમોટ કરવામાં આવતા હતા, એક વિગત એવી છે કે માત્ર છેલ્લા 1 જ વર્ષમાં સાહિત્ય એકેડમી દ્વારા ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં યોજવામાં આવેલા આશરે 40 જેટલા સાહિત્યિક કાર્યક્રમોમાં ઉષા ઉપાધ્યાય કોઈકને કોઈક પ્રકારના મહેમાન કે વક્તા તરીકે ઉપસ્થિત રહેતા જ હતા. સાહિત્ય એકેડમીએ ભારે સરકારી ખર્ચે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સાહિત્યલક્ષી કાર્યક્રમો ગુજરાતમાં ઠેક ઠેકાણે કર્યા અને એમાં સાહિત્યકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.
તેમ છતાં ગુજરાતી સાહિત્યકારોએ ઉષા ઉપાધ્યાયને જરૂરી મત ન આપ્યા, એ એક ખરેખર સૂચક બાબત કહેવાય. આમ જુઓ તો કેટલાક લોકો એમ કહે છે કે આ ભાગ્યેશ જાની વ્યક્તિગત હાર છે, ગુજરાતી સાહિત્ય પરિષદમાં આશરે 3500 જેટલા સભ્યો છે અને તેમાંથી આ ચૂંટણીમાં 1548નું મતદાન થયું હતું. પહેલી જ વાર આટલું જંગી મતદાન થયું હોવાથી એમ માનવામાં આવતું હતું કે ભગવા ટોળકી સાહિત્ય પરિષદ પર કબજો જમાવી શકશે. પણ એ શક્ય બન્યું નથી. કિરીટ દૂધાત અને એમની પેનલની સામે ઉષા ઉપાધ્યાય અને એમની પેનલ પરિવર્તન મંચ નામે ચૂંટણી જંગમાં ઉતરી હતી. પરંતુ સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમીઓએ આ ભગવા ટોળકીને ફરી એકવાર જાકારો આપ્યો છે. અને એ રીતે હિન્દુત્વ ગેંગના સભ્ય એવા સાહિત્યકારો, ભાજપની સરકાર અને RSSને સાહિત્ય પરિષદમાં ઘૂસવા દીધા નથી.
વધુ ઉલ્લેખનીય બાબત એ છે કે ઉષા ઉપાધ્યાય મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક હતા અને ત્યારે ગુજરાત વિદ્યાપીઠને સંઘીઓ દ્વારા કબજે કરવામાં આવી ત્યારે તેઓ તદ્દન મૌન રહ્યા હતા !
1905માં સ્થપાયેલી સાહિત્ય પરિષદની આ ચૂંટણી આમ જુઓ તો ભારે ગંદવાડ ભરી બની ગઈ હતી. એનું એક કારણ એ હતું કે ઉષા ઉપાધ્યાય અને તેમની પેનલને ટેકો આપનારા કેટલાક સાહિત્યકારો ઉષા ઉપાધ્યાયના પરિવર્તન મંચની જીત પાક્કી કરવાને માટે ફેસબુક પર તદ્દન અશોભનીય શબ્દો તેમના લખાણોમાં વાપર્યા હતા.
મુંબઈ નિવાસી સૌરભ શાહે ઉષા ઉપાધ્યાયને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો, તેમને અને નરેન્દ્ર મોદીના અંધભક્ત ગણાતા પત્રકાર જસવંત રાવલને તો એમ જ હતું કે ઉષા ઉપાધ્યાય જીતવાના જ છે અને એમની પેનલ પણ જીતવાની જ છે. સૌરભ શાહ તો જીતનો જશ્ન મનાવવા માટે ફટાકડા સાથે સાહિત્ય પરિષદના પ્રાંગણમાં હાજર હતા, એમ પણ કહેવાય છે. પણ તેમની આશાઓ પર ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ બહુ ઠાવકાઈથી પાણી ફેરવી દીધું.
હિન્દુત્વના ઠેકેદાર ગણાતા સૌરભ શાહે સેક્યુલર લોકોના વિરોધમાં તેમના ફેસબુક પરના લખાણોમાં અગાઉ અનેક વાર જે અશ્લીલ ભાષા પ્રયોગ કરેલો, એ શું કદાચ સાહિત્ય પરિષદના મતદારોના ધ્યાનમાં હતો? અને એમણે જ ઉષા ઉપાધ્યાયને ટેકો આપેલો, એ એમણે ધ્યાનમાં લીધું ? ઉષા ઉપાધ્યાયે એમનો ટેકો શું સામે ચાલીને લીધેલો ? સૌરભ શાહે નડિયાદના પત્રકાર જસવંત રાવલની એક ફેસબૂક પોસ્ટને એમના પોતાના ફેસબૂક પેજ પર શેર કરીને જેઓ કિરીટ દૂધાતની તરફેણમાં હતા, એ બધાને ‘અભદ્ર ડાબેરીઓ’, ‘અસંસ્કારી કોંગ્રેસીઓ’ અને તેમના ‘અભણ ચેલચપાટાઓ’ અને ‘બાયલા’ કહેલા એ પણ એક હકીકત છે. જો કે ઉષા ઉપાધ્યાયે આ ભાષા યોગ્ય ઠેરવી હતી કે કેમ, તે જાણવા મળ્યું નથી. પણ તેમનું સાતત્યપૂર્વકનું આ ભાષા વિશેનું મૌન એ ઘણું બધું કહી જાય છે.
જો કે એમ માનવામાં આવે છે કે જાણીતા પત્રકાર, લેખક અને સેક્યુલર કર્મશીલ પ્રકાશ ન. શાહ જ્યારે 6 વર્ષ પહેલા સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની ચૂંટણી લડતા હતા, ત્યારે કિરીટ દૂધાત એમના વિરોધી હતા. અને પ્રકાશ ન. શાહ સામે ચૂંટણીમાં હારી ગયેલા હર્ષદ ત્રિવેદી 3 વર્ષ અગાઉ માધવ રામાનુજને હરાવીને સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા, ત્યારે પણ કિરીટ દૂધાત હર્ષદ ત્રિવેદીની સાથે હતા.
હવે સવાલ એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ કિરીટ દૂધાતના નેતૃત્વ હેઠળ પોતાનું ગૌરવપૂર્ણ સત્ત્વ કેવી રીતે જાળવી રાખે છે ? અને એ સ્વાયત્તતા કેવી રીતે જાળવી રાખે છે ? અને ગાંધીનગરની સત્તાની પગચંપી કર્યા વિના સાહિત્યની સેવા કરવાનું કામ કેવી રીતે આગળ ધપાવે છે ? થોડીક આશા ગુજરાતના સાહિત્યકારો અને સાહિત્ય રસિકો માટે ચોક્કસ ઊભી થઈ છે.
BY: રમેશ સવાણી











