વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે આવેલી લાઇબ્રેરી ખાતે સરકારી ભરતીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં PI કિરણ પાડવીએ ઉપસ્થિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, અભ્યાસનું આયોજન અને સફળતા મેળવવા માટે જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે સ્વર્ગસ્થ ઉપાસનાબેનના સ્મરણાર્થે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો લાઇબ્રેરીને ભેટ આપવામાં આવ્યાં હતાં.
PI કિરણ પાડવીએ પોતાના માર્ગદર્શન વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરી મેળવવા માટે માત્ર સપનાં જોવાં પૂરતાં નથી, પરંતુ તે સપનાંને સાકાર કરવા માટે નિયમિત અભ્યાસ, સમયનું યોગ્ય આયોજન, ધીરજ અને સતત મહેનત જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ સૌપ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમને સારી રીતે સમજવો જોઈએ, ત્યારબાદ વિષયવાર અભ્યાસ, જૂનાં પ્રશ્નપત્રોનું વિશ્લેષણ અને નિયમિત પુનરાવર્તન કરવું જોઈએ. નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે તેમાંથી શીખીને વધુ મજબૂત તૈયારી સાથે આગળ વધવું જોઈએ. તેમણે યુવાનોને સમયનો સદુપયોગ કરી વાંચનની ટેવ વિકસાવવા અને પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેવા પ્રેરિત કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામની લાઇબ્રેરી યુવાનો માટે જ્ઞાન અને કારકિર્દી ઘડતરનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપીન પટેલ જણાવે છે, ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી. યોગ્ય માર્ગદર્શન, અભ્યાસ માટેની સુવિધા અને સતત મહેનતના આધારે તેઓ પણ સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો ઉપલબ્ધ થવાથી યુવાનોને અભ્યાસમાં ઉપયોગી સહાય મળશે. યુવાનો શિક્ષિત બની સરકારી સેવાઓમાં જોડાય અને પોતાના ગામ તથા પરિવારનું નામ રોશન કરે તે માટે આવા પ્રયાસો પ્રેરણાદાયી છે.
વાંસદા APMCના ચેરમેન મણીભાઈ અને વેલજીભાઈ પાડવીએ કહ્યું હતું કે, સ્વર્ગસ્થ ઉપાસનાબેનના સ્મરણાર્થે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો લાઇબ્રેરીને અર્પણ કરવાનો પ્રયાસ જ્ઞાનદાનની ભાવનાનું સુંદર ઉદાહરણ છે. કોઈ વ્યક્તિની સ્મૃતિને જ્ઞાનદાન સાથે જોડવાથી અનેક યુવાનોના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપી શકાય છે. યુવાનોએ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરી ખંતપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને જીવનમાં સફળતા મેળવી સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
આ પહેલથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ થશે અને તેમને સરકારી સેવાઓમાં જોડાવા માટે પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.











