દાહોદ: જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય પેરા એથ્લેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું છે. ગુજરાતના દાહોદ જિલ્લાની આદિવાસી દીકરી દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન અમરજી ડામોરે મહિલાઓની 400 મીટર T12 કેટેગરીમાં ાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ (રજત પદક) પોતાના નામે કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
તેજલબેને પોતાની ઝડપ અને સખત મહેનતના બળે ફાઇનલ રેસમાં વિરોધીઓને સખત ટક્કર આપીને આ સિદ્ધિ મેળવી હતી. આ સિઝનમાં તેજલબેનનું આ સતત બીજું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. આ અગાઉ તેમણે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 200 મીટર T12 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના ગાંધીનગર સ્થિત નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહેલી 24 વર્ષીય તેજલબેને તેમની આ સફળતાનો શ્રેય પોતાના કોચ અને પરિવારના સપોર્ટને આપ્યો છે.
તેજલબેન ડામોરની આ જીતથી સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં આનંદની લહેર છવાઈ ગઈ છે. ગ્રામીણ અને પડકારજનક પૃષ્ઠભૂમિમાંથી આવીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવાની તેમની આ સફર દેશના લાખો યુવાનો અને પેરા-એથ્લેટ્સ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.











