ભરૂચ: ભાજપના દિગ્ગજ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટીતંત્ર સામે સીધો મોરચો ખોલી દીધો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ગુજરાતના વન વિભાગમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર, જંગલની જમીન પર ગેરકાયદેસર દબાણો અને આદિવાસી ખેડૂતોને થઈ રહેલા અન્યાય અંગે વિસ્ફોટક ખુલાસા કર્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને મોકલેલા પત્રમાં પોતાની જ સરકારની કામગીરી સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારના આદિવાસી ખેડૂતોને આપણી જ સરકાર ખૂબ હેરાન કરી રહી છે અને તેમને ન્યાય મળી રહ્યો નથી.
સાંસદ દ્વારા પત્રમાં કરાયેલા મુખ્ય ગંભીર આક્ષેપો: સાંસદે સૌથી મોટો ખુલાસો કરતા આક્ષેપ કર્યો છે કે (1) ગુજરાતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ને સારી જગ્યાએ બદલી (ટ્રાન્સફર) કરાવવા માટે 25 થી 30 લાખ રૂપિયા સુધીનો મોટો વહીવટ કરવો પડે છે. (2) ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા જંગલની 400 થી 500 એકર જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરીને દબાણ કરવામાં આવ્યું છે. (3) સ્થાનિક લોકો અને માજી સરપંચો દ્વારા અનેકવાર ફરિયાદો કરવા છતાં સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને દબાણકારોને છાવરી રહ્યું છે. (4) કાગળ પર માત્ર વૃક્ષારોપણ દેખાડીને નર્મદા અને સુરત જિલ્લાના ડુંગરો પરથી આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ ગંભીર બાબતો અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિતમાં વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉચ્ચસ્તરીય તપાસની માંગ: આદિવાસી નેતા મનસુખ વસાવાએ વડાપ્રધાન સમક્ષ આ સમગ્ર કૌભાંડની સઘન તપાસ માટે ‘ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ’ (High-Level Inquiry Committee) બનાવવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે જંગલની જમીન પચાવી પાડનાર અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
એક વર્તમાન શાસક પક્ષના સાંસદ દ્વારા પોતાની જ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર જાહેરમાં આટલા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર PMO અને રાજ્ય સરકારના આગામી પગલાં પર ટકેલી છે.











