વાંસદા: વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારનાં બાળકોના શિક્ષણ માટે ઉપયોગી નવાં પુસ્તકો BRC ભવનમાં ધૂળ ખાઈ રહ્યાં હોવાની અને ઉંદરો દ્વારા પુસ્તકોને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની સ્થિતિ સામે આવી છે. બીજી તરફ ભવનના પટાંગણમાં કચરાના ઢેર જોવા મળતા હોવાની સાથે તાલીમ માટે આવતા શિક્ષકોને હાથ ધોવા તથા શૌચક્રિયા માટે નળની સુવિધા ઉપલબ્ધ ન હોવાનો પ્રશ્ન પણ સામે આવ્યો છે.
શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા ભવનમાં જ આવી સ્થિતિ હોય તો સ્વચ્છતા અને વહીવટી દેખરેખ સામે સવાલ ઊઠે તે સ્વાભાવિક છે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેનાં પુસ્તકો આખરે બાળકો સુધી પહોંચ્યાં કેમ નહીં ? જો પુસ્તકોનું વિતરણ બાકી હોય તો તેનું કારણ શું છે ? પુસ્તકોને ઉંદરોથી નુકસાન થતું હોય તો સુરક્ષિત સંગ્રહની વ્યવસ્થા કેમ નથી ? પુસ્તકોની જાળવણી અને વિતરણની જવાબદારી સંભાળતા તંત્ર દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે કે નહીં, તે પણ તપાસનો વિષય છે BRC ભવનમાં તાલીમ માટે આવતા શિક્ષકોને જમણવાર બાદ હાથ ધોવા માટે નળની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ડોલમાંથી ડબ્બા વડે પાણી કાઢીને હાથ ધોવા પડતા હોવાની સ્થિતિ જણાવાઈ રહી છે. એટલું જ નહીં, શૌચાલયમાં પણ નળની સુવિધા ન હોવાથી ડોલના પાણીથી કામ ચલાવવું પડતું હોવાનું સામે આવ્યું છે.
શિક્ષકોની તાલીમ માટેના ભવનમાં હાથ ધોવા અને શૌચક્રિયા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ યોગ્ય સુવિધા ન હોય તો સ્વચ્છતાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે એક તરફ સરકારી શાળા ઓમાં સ્વચ્છતા જાળવવા, બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા અને નિયમિત નિરીક્ષણ કરવા સૂચનાઓ આપવામાં આવે છે, તો બીજી તરફ શિક્ષકોને તાલીમ આપતા ભવનમાં જ નળની સુવિધા અને સ્વચ્છતાના પ્રશ્નો હોય તો આ સૂચનાઓનો અમલ ક્યાં સુધી થાય છે ? ભવનમાં પૂરતા નળ, પાણી અને સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની BRC ભવનના પટાંગણમાં કચરાના ઢેર હોવાના મુદ્દે નિયમિત સફાઈ થાય છે કે નહીં તે અંગે પણ તપાસ થવી જરૂરી છે. પુસ્તકોનો કુલ જથ્થો, ખરીદી અને વિતરણની વિગતો, નુકસાન પામેલાં પુસ્તકોની સંખ્યા, સંગ્રહની વ્યવસ્થા તથા ભવનમાં સ્વચ્છતા અને પાણીની સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓએ સ્થળ તપાસ કરીને હકીકતો જાહેર કરવી જોઈએ.
જો સરકારી સંપત્તિને નુકસાન થયું હોય અથવા ફરજમાં બેદરકારી જણાય તો નિયમ મુજબ જવાબદારી નક્કી થવી જોઈએ બીજાને સ્વચ્છતા અને નિયમોનું પાલન કરાવતું શિક્ષણ તંત્ર પોતાના જ BRC ભવનમાં પુસ્તકોની જાળવણી, નિયમિત સફાઈ અને શિક્ષકો માટેની પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરી શકશે કે નહીં? શાળાઓમાં સ્વચ્છતાના પાઠ ભણાવતા અધિકારીઓ પોતાની જ કચેરીમાં જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે પછી બાળકોનાં પુસ્તકોની દુર્દશા, ગંદકી અને પાયાની સુવિધાઓના અભાવ અંગેના સવાલો યથાવત્ રહેશે











