ધરમપુર: ગુજરાત પ્રદેશ આદિવાસી કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ધરમપુર ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ ST સેલની કારોબારી તેમજ સમીક્ષા બેઠક ઉત્સાહભેર યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં આદિવાસી સમાજના પડતર પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો અને પક્ષના સંગઠનને પાયામાંથી મજબૂત કરવા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું.
સમાજના અવાજને બુલંદ કરવા રાજેન્દ્રસિંહ પારધીની હાકલ
બેઠકમાં મુખ્ય ઉપસ્થિતિ દર્શાવતા પ્રદેશ આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ પારધીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઉમરગામથી લઈને અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલ જમીન સહિતના અનેક વણઉકેલાયેલા પ્રશ્નો પ્રવર્તી રહ્યા છે. આ પ્રશ્નોના નિવારણ અને આદિવાસી સમાજના હક્કો માટે તમામ કાર્યકરોએ ખભેખભા મિલાવી તાલુકા અને ગામડે-ગામડે પ્રવાસ કરવો પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વલસાડથી શરુ થયેલી આ ઝુંબેશ અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવી બેઠકો યોજાશે અને આગામી દિવસોમાં ‘આદિવાસી હક અધિકાર યાત્રા’નું આયોજન કરવામાં આવશે.
સ્થાનિક પ્રશ્નો અને ‘જન આક્રોશ યાત્રા’ની રજૂઆત
બેઠકની અધ્યક્ષતા કરી રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ ST સેલના પ્રમુખ રાહુલ પટેલે નાનાપોંઢા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં આદિવાસી વસ્તીની ટકાવારી અને સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે આદિવાસી સમાજના જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ જમીનના પ્રશ્નો પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કર્યા હતા અને તાજેતરમાં યોજાયેલી ‘જન આક્રોશ યાત્રા’ની વિગતો આપી હતી. તેમણે Gen-Z (નવી પેઢીના યુવાનો) અને હોદ્દેદારો વચ્ચે સેતુ બની કોંગ્રેસ પક્ષને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો.
અગ્રણીઓ અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ
આ સમીક્ષા બેઠકમાં વલસાડ જિલ્લા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત, ST સેલના વર્કિંગ પ્રેસિડેન્ટ દિલીપભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઇ પાડવી, ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી મુફીદ પઠાણ, ગણપતભાઈ ભોયા, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ જનરલ સેક્રેટરી ફહીમ બાહનાન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ પાંચ તાલુકાના ST સેલના પ્રમુખો, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.











