દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો અને અનોખો રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં જીવનની વિવિધ અવસ્થાઓમાં જન્મથી લઈને મૃત્યુ સુધી જો કોઈ વનસ્પતિ કે પાનનો સૌથી વધુ પૂજનીય અને વ્યવહારિક ઉપયોગ થતો હોય, તો તે ‘ખાખરાનું પાન’ છે. ખાખરાની ડાળી સાથે એકસાથે જોડાયેલાં ત્રણ પાનનું આદિવાસી પરંપરા તેમજ ધાર્મિક માન્યતાઓમાં વિશેષ સાંસ્કૃતિક મહત્વ રહેલું છે.
ખાખરાના ત્રણ પાનનું ત્રિવિધ મહત્વ: ખાખરાની ડાળી પર જોડાયેલાં ત્રણ પાન આદિવાસી પરંપરામાં જીવન ચક્રની અલગ-અલગ અવસ્થાઓ દર્શાવે છે: જમણું પાન (જીવનની શરૂઆત): આદિવાસી સમાજમાં બાળકનો જન્મ થાય ત્યારે જન્મ પછી થતી છઠ્ઠીની પૂજા જેવી શુભ અને મંગળ વિધિઓમાં જમણા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. વચલું પાન (જીવનનો ઉત્સવ): આદિવાસી સંસ્કૃતિના વિવિધ દેવકાર્યો, પૂજા-અર્ચના અને તહેવારો-ઉત્સવોમાં વચલા પાનનો વિશિષ્ટ ઉપયોગ થાય છે. ડાબું પાન (અંતિમ યાત્રા): જીવનના અંતિમ પડાવ બાદ મૃત્યુ પછી કરવામાં આવતી બારમાની જેવી વિધિઓ અને ઉત્તરાક્રિયામાં ડાબા પાનનો ઉપયોગ કરવાની પરંપરા છે.
સામાજિક પ્રસંગોમાં પતરાળાંનો ઉપયોગ: ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓ ઉપરાંત ખાખરાના પાનનો વ્યવહારિક ઉપયોગ પણ ઘણો જ વ્યાપક છે. ખાખરાના પાનમાંથી પરંપરાગત પતરાળાં (પતરાવળી) અને બાજ બનાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં લગ્નપ્રસંગો, સામાજિક મેળાવડાઓ કે નાના-મોટા ધાર્મિક પ્રસંગોમાં ભોજન પીરસવા માટે આજે પણ આ દેશી અને પર્યાવરણ અનુકૂળ પતરાળાંનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, ખાખરાના ત્રણ પાન એ માત્ર પ્રકૃતિની એક રચના નથી, પરંતુ આદિવાસી સમાજની પરંપરા, જીવન શૈલી અને પર્યાવરણ પ્રત્યેના અહોભાવનું એક જીવંત ઉદાહરણ છે.
BY: હેમંત વસાવા











