ઉમરગામ: હવે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નારગોલ ગામના મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને એક અનોખી માંગ કરી છે. તેમણે નકલી દારૂથી લોકોને બચાવવા, પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત તાડી ઉદ્યોગને પુનઃજીવિત કરવા માટે પ્રાયોગિક ધોરણે હળવી દારૂબંધી સાથે વેચાણની છૂટ આપવા રજૂઆત કરી છે.

નારગોલ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી ભંડારી અને પારસી સમાજ દ્વારા ખજૂરીના વૃક્ષોમાંથી રસ કાઢીને પરંપરાગત રીતે તાડી મેળવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો. આ તાડીનું વેચાણ મુંબઈ સહિતના મોટા શહેરોમાં થતું અને અનેક પરિવારોની આજીવિકાનું મુખ્ય સાધન હતું. પરંતુ દારૂબંધીનો કાયદો અમલમાં આવ્યા બાદ આ વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો. વર્ષો વીત્યા છતાં આ પરિવારોને કોઈ વિશેષ રાહત પેકેજ કે વૈકલ્પિક રોજગારી ન મળતા તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સરપંચ દ્વારા પત્રમાં રજૂ કરાયેલા મુખ્ય તર્કો: નકલી દારૂ અને લઠ્ઠાકાંડ પર અંકુશ: નિયંત્રિત અને પ્રમાણિત વેચાણથી ઝેરી/નકલી દારૂના કારણે થતાં લઠ્ઠાકાંડ અટકાવી શકાશે. રોજગારી અને તાડી ઉદ્યોગ: ભંડારી સમાજના પરંપરાગત તાડી ઉદ્યોગને પુનઃજીવિત કરી સ્થાનિક લોકોને રોજગારી આપી શકાશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ: ૫ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું નારગોલ ઝડપથી પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં નારગોલ બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’ તરીકે વિકસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી વિદેશી પ્રવાસીઓનું આગમન વધશે. સરકારી મહેસૂલમાં વધારો: ગેરકાયદે દાણચોરી ઘટશે અને સરકારને કરોડો રૂપિયાની મહેસૂલી આવક (Revenue) થશે. હોટેલ અને રિસોર્ટ ઉદ્યોગને વેગ: મહારાષ્ટ્ર, સેલવાસ અને દમણ જેવા સરહદી વિસ્તારો નજીક હોવાથી સ્થાનિક હોટેલ્સ અને રિસોર્ટ્સમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

સ્થાનિક લોકોનું પણ માનવું છે કે જો ચોક્કસ નિયમો અને પરવાનગી હેઠળ કુદરતી પીણું ગણાતી તાડીના વેચાણની મંજૂરી મળે તો બુટલેગરોની ગેરકાયદે કમાણી પર લગામ લાગશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. હવે જોવાનું એ રહેશે કે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં, નારગોલની આ વિશિષ્ટ ભૌગોલિક અને પ્રવાસન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર આ માંગણી પર શું નિર્ણય લે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here