વલસાડ: શિક્ષણ આપવાની પવિત્ર જવાબદારી સંભાળતી વ્યક્તિ સામે જ નાબાલિક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો થાય ત્યારે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધો પર મોટો દાગ લાગે છે. વલસાડના કિલ્લા-પારડી ખાતે આવેલી સરસ્વતી વિદ્યામંદિરના આચાર્ય કિશોર ચૂડાસમા સામે થયેલા ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થિનીના પિતા દ્વારા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવેલી અરજી મુજબ, શાળાનો છૂટવાનો સમય બપોરે 2:00 વાગ્યાનો હોવા છતાં તેમની દીકરી છેલ્લા કેટલાક સમયથી મોડી એટલે કે સાંજે ૪:૦૦ વાગ્યાની આસપાસ ઘરે આવતી હતી. આ અંગે પરિવારે પૂછપરછ કરતા દીકરીએ ખુલાસો કર્યો હતો કે, આચાર્ય તેને IAS કે IPS બનાવવાની અને પરીક્ષામાં પાસ કરાવવાની વાતો કહીને શાળા છૂટ્યા બાદ રોકી રાખતા હતા અને તેની સાથે અયોગ્ય શારીરિક સ્પર્શ કરતા હતા.
અરજીમાં જણાવેલી વિગતો અનુસાર, 5 ઓક્ટોબરના રોજ પિતા પોતે શાળા છૂટવાના સમયે બહાર હાજર રહ્યા હતા. લાંબો સમય વિત્યા છતાં દીકરી બહાર ન આવતાં, આશરે એક કલાક બાદ તેઓ શાળાની અંદર તપાસ કરવા ગયા હતા. તપાસ દરમિયાન પ્રથમ માળે આવેલી લેબોરેટરીનો દરવાજો અંદરથી બંધ મળી આવ્યો હતો. પિતાએ દરવાજો ખખડાવતાં આચાર્ય કિશોર ચૂડાસમાએ દરવાજો ખોલ્યો હતો અને અંદર દીકરી હાજર હતી. દરવાજો ખુલતા જ દીકરીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલા અયોગ્ય વર્તન અંગેની તમામ આપવીતી પિતા સમક્ષ રજૂ કરી હતી. આ સમગ્ર મામલે પિતાએ પોલીસ અધિક્ષકને લેખિત અરજી આપીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.











