ગાંધીનગર: તાજેતરમાં યોજાયેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ (Road & Building Department) ની ઉત્કૃષ્ટ અને સમયબદ્ધ કામગીરીની વિશેષ નોંધ લઈ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આ પ્રોત્સાહક શબ્દોથી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે.
ચિંતન શિબિર દરમિયાન પોતાના વક્તવ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશ પર જ્યારે પણ મુશ્કેલી કે કટોકટીનો સમય આવે, ત્યારે ૨૪ કલાકમાં સમયબદ્ધ રીતે કામ પૂર્ણ કરી શકે તેવો એકમાત્ર વિભાગ એટલે માર્ગ અને મકાન વિભાગ. મુખ્યમંત્રીની આ ટિપ્પણી વિભાગ માટે ભારે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના બાંધકામ ક્ષેત્રના કામો, સરકારી યોજનાઓ તેમજ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું અસરકારક આયોજન કરવામાં આવે છે. વિભાગ દ્વારા કામગીરીમાં પારદર્શિતા, ઉચ્ચ ગુણવત્તા અને નિશ્ચિત સમયમર્યાદામાં અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી આ સરાહનાને પગલે માર્ગ અને મકાન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ બાબત ભારે પ્રેરણારૂપ બની છે. વિભાગે ખાતરી આપી છે કે, આગામી સમયમાં પણ પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક, પારદર્શક, ગુણવત્તાસભર અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર વિભાગ કટિબદ્ધ રહેશે.











