પારડી: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અને તા.પં.ના માજી સભ્ય કારમાંથી દારૂના જથ્થા સાથે પારડી પોલીસે ઝડપી પાડતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કલસર ચેકપોસ્ટ પરથી પોલીસે કારમાંથી દારૂની 3 બોટલ જપ્ત કરી નશાની હાલતમાં રહેલા ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકા પંચાયતના મહિલા સભ્ય સુનિતાબેન પટેલના પતિ અને માજી તા.પં. સભ્ય કલ્પેશ પટેલ પોતાના બે મિત્રો સાથે GJ-15-CB3771 નંબર ની સ્વિફ્ટ ડિઝાયર કાર લઈ દમણ ગયા હતા. દમણથી પરત ધરમપુર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પારડી તાલુકાના કલસર ચેકપોસ્ટ પર પોલીસે બાતમી અને શંકાના આધારે કાર અટકાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની 3 બોટલ મળી આવી હતી. ઉપરાંત કારમાં સવાર ત્રણેય ઈસમો નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અને સ્વિફ્ટ કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે કાર ચાલક હેમંતકુમાર પટેલ, કુલદીપસિંહ પઢિયાર અને કલ્પેશ અમૃતભાઈ પટેલની અટકાયત કરી દારૂબંધી ભંગનો ગુનો નોંધ્યો છે. લોકોમાં ચર્ચા છે કે રાજકીય આગેવાનોએ પોલીસને આગળ કરી રાજકીય ટ્રેપ રચવામાં આવ્યું હતું જેમાં કલ્પેશ પટેલ ફસાઈ ગયા.











