રાનકુવા (સુરખાઇ): ​​ગુજરાત રાજ્યના સમગ્ર આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, નોકરી, જંગલ જમીન, બંધારણીય અધિકારો અને શોષણ સામેની રજૂઆતો માટે ‘સમસ્ત આદિવાસી સમાજ’ (SAS) દ્વારા યોજાયેલી સામાન્ય સભા 2026 વિશાળ જનમેદની વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં રાજ્યભરમાંથી આવેલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો, સ્વેચ્છાએ હોદ્દાઓની જવાબદારીઓ સ્વીકારી અને અંતે રાષ્ટ્રગીત સાથે સભાની પૂર્ણાહુતિ થઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સમાજના ઉત્થાન અને વિવિધ પ્રશ્નો અંગેની મુખ્ય વિગતો તથા સિદ્ધિઓ ની નીચે મુજબની ચર્ચા વિચારણા થઈ હતી. ​1. શિક્ષણ અને છાત્રાલય ક્ષેત્રે રજૂઆતો: ​ઉત્થાન પ્રોજેક્ટ: મેડિકલમાં ખાલી રહેતી ST બેઠકો ભરવા વર્ષ ૨૦૧૪થી શરૂ કરાયેલા પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી 467 ગરીબ અને હોનહાર વિદ્યાર્થીઓને 49 લાખની પ્રોત્સાહન સહાય પૂરી પડાઈ છે. ​ફી શિપ કાર્ડ અને આવક મર્યાદા: સતત રજૂઆતો બાદ ફી શિપ કાર્ડ જમા કરાવતા જ ફી મુક્તિનો નિયમ અમલી બન્યો. તેમજ છોકરાઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ. મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, ફૂડબીલ સહાય (600થી વધીને 2500) અને એકલવ્ય રેસિડેન્શિયલ શાળાઓના માળખામાં ફેરફાર કરાવી પરિણામ 90% થી 100% સુધી પહોંચાડ્યું. 2. આરોગ્ય અને સિંચાઈ: ​સિકલ સેલ એનિમિયા: દર્દીઓને દર મહિને 2500ની સહાય અને દિવ્યાંગોને મળતા લાભો ચાલુ કરાવાયા. આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા 8180 કરોડની યોજનાઓ મંજૂર કરાવાઈ. ​3. રોજગારી, ટ્રેડ ફેર અને સંગઠન: ​વોકેશનલ ટ્રેનિંગ અને મફત કોચિંગ સાથે આદિવાસી વ્યાપારને પ્રોત્સાહન આપવા ‘નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર’ (NTTF)નું સફળ આયોજન કરાયું (નવસારી અને સુરત બાદ હવે ડિસેમ્બર 2025માં વેડછી ખાતે આયોજન). ​સામાજિક અભ્યાસ માટે ‘દસ દિવસ આદિવાસી યાત્રા’ અને ડેમ વિસ્થાપિતો માટે ‘વિસ્થાપન સંવેદના યાત્રા’નું આયોજન કરાયું. ​4. બોગસ પ્રમાણપત્રો અને લીગલ લડત: ​બોગસ આદિવાસી પ્રમાણપત્રો અટકાવવા વર્ષ 2018માં કાયદો અને 2020માં નિયમો બનાવાયા. કારિયા સમિતિ મુજબ 56,087 બોગસ પ્રમાણપત્રો રદ કરવા અને વિજિલન્સ તપાસ માટે લડત જારી છે. ​વિસ્થાપન, બોગસ મેડિકલ એડમિશન અને જાતિ પ્રમાણપત્રો અંગે હાઈકોર્ટમાં વિવિધ PIL/રીટ પિટિશન દાખલ કરીને કાનૂની લડાઈ લડવામાં આવી રહી છે.

​5. આગામી મુખ્ય પડકારો અને માંગણીઓ: ​56,087 બોગસ પ્રમાણપત્રો રદ કરી કાયદાકીય કાર્યવાહી કરવી. ​નોકરીઓમાં રોસ્ટર ક્રમાંકની ભૂલો સુધારવી અને વર્ગ-4 ની બંધ પડેલી ભરતીઓ ચાલુ કરવી. ​ગાંધીનગરમાં ‘આદિવાસી ભવન’ માટે જમીન ફાળવવી. ​’વનવાસી/વનબંધુ’ શબ્દના બદલે બંધારણીય શબ્દોનો જ ઉપયોગ કરવો. આદિવાસી સમાજના અધિકારો અને ન્યાય માટે ‘સમસ્ત આદિવાસી સમાજ’ (SAS) અને ‘આદિવાસી અધિકાર બચાવો સમિતિ’ની સંયુક્ત લડત આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here