દક્ષિણ ગુજરાત: પૂણેની યરવડા જેલમાં જેલવાસ દરમિયાન પૂજ્ય કસ્તુરબા ગાંધીને વાંચતા-લખતા શીખવનાર અને દેશની આઝાદીની ચળવળમાં અગ્રેસર ભૂમિકા ભજવનાર મહાન આદિવાસી સમાજના સ્વતંત્રતા સેનાની દશરીબેન ચૌધરી (દશરી દાદી) ની જન્મજયંતી નિમિત્તે દેશવાસીઓ તેમને આદરપૂર્વક પ્રણામ કરી રહ્યા છે.
અંગ્રેજી શાસન સામે અડગ રહીને વિરોધ પ્રદર્શિત કરવામાં દશરી દાદીનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. તેમણે બ્રિટિશ હકુમત વિરુદ્ધ પ્રબળ પિકેટિંગ (ધરણાં) ની શરૂઆત કરી હતી. જ્યારે તેમને અંગ્રેજી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ચરખો કાંતવાની મનાઈ ફરમાવવામાં આવી, ત્યારે તેમણે નીડરતાથી કહ્યું હતું: અમે જીવીએ કે મરીએ, જ્યાં સુધી દેશને સ્વરાજ નહીં મળે ત્યાં સુધી અમે સૂતર કાંતતા રહીશું અને ખાદી જ પહેરતા રહીશું.
ગાંધીજીના વિચારો અને સત્યાગ્રહની ચળવળ સાથે સક્રિય રીતે જોડાયેલા દશરીબેન ચૌધરી દેશપ્રેમ, આત્મનિર્ભરતા અને નારી શક્તિનું પ્રતિક હતા. તેમની અપ્રતિમ દેશભક્તિ, સમર્પણ અને સાહસ માટે દેશ આજે પણ તેમનો સદૈવ ઋણી રહેશે.











