વાંસદા: ગાંધી જયંતિ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામ ખાતે આવેલા મનમોહક આંકડા ધોધ પર વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ધોધ અને તેની આસપાસના વિસ્તારમાં વેરાયેલો પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરીને સ્થળની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી હતી.

આ સ્વચ્છતા અભિયાનમાં પી.આઈ. કિરણ પાડવી, ટ્રેકર દિવ્યેશભાઈ, કોર્ટ આસિસ્ટન્ટ વિપુલ દેશમુખ, સામાજિક કાર્યકર હિરેન દાંડેકર તથા વાંસદાની AVM સ્કૂલના શિક્ષક પ્રિતેશ પટેલે ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન કર્યું હતું. પ્રકૃતિ તેમજ પ્રવાસન સ્થળોની સુંદરતા અને સંપદા જાળવવા માટે સ્વચ્છતા અનિવાર્ય હોવાનું ઉપસ્થિત સૌ અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ધોધ, ડુંગર અને અન્ય પ્રાકૃતિક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને અપીલ કરી હતી કે, પ્લાસ્ટિકની બોટલો, કચરાના પેકેટો કે અન્ય એઠવાડ ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખવો અથવા પોતાનો કચરો સાથે પરત લઈ જવાની ટેવ પાડવી.“પ્રકૃતિ આપણને સુંદરતા આપે છે, હવે તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે.”
ગાંધીજીના પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારીને પ્રવાસન સ્થળોને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું. આવા સરાહનીય પ્રયાસો થકી સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.











