આદિવાસી સમાજની લોકઆસ્થા, પ્રકૃતિપ્રેમ અને પશુધન સાથેના ગાઢ સંબંધને દર્શાવતી પરંપરાઓમાં ‘ગમાણીયા દેવ’ની પૂજાનું એક અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે. સામાન્ય ભાષામાં ‘ગમાણ’ એટલે પશુઓને બાંધવા કે રાખવાની જગ્યા. પરંતુ પરંપરાગત આદિવાસી સંસ્કૃતિમાં ગમાણ એ માત્ર પશુઓનો આશરો નથી, પરંતુ પરિવારની આજીવિકા, ખેતી અને સમૃદ્ધિ સાથે જોડાયેલું એક અત્યંત પવિત્ર સ્થાન છે.

આદિવાસી સમાજ અનાદિકાળથી પ્રકૃતિપૂજક રહ્યો છે. જંગલ, જમીન, નદી, પહાડ અને વૃક્ષોની સાથે પશુ-પક્ષીઓ સાથેનો તેમનો સંબંધ માત્ર વ્યવહારિક નથી પણ આત્મિક રહ્યો છે. પ્રકૃતિને માત્ર એક સંસાધન ગણવાને બદલે તેને ‘જીવનદાતા’ અને ‘સંરક્ષક’ માનવાની આ દૃષ્ટિ ગમાણીયા દેવની આસ્થામાં સ્પષ્ટપણે જોવા મળે છે.

પરંપરાગત ખેતીપ્રધાન જીવનમાં પશુઓ પરિવારના સભ્ય સમાન રહેતા આવ્યા છે. ખેતર ખેડવા અને વાવણી જેવા કામોમાં બળદ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત પશુઓનું છાણ કુદરતી ખાતર બની જમીનની ફળદ્રુપતા વધારે છે, તો દૂધ અને તેની ઉપ પેદાશો પરિવારના પોષણ અને આવકનો સ્ત્રોત બને છે. ગમાણીયા દેવની પૂજા દ્વારા આદિવાસી સમાજ પોતાના અન્ન, આજીવિકા અને ખેતીના આ સમગ્ર ચક્ર પ્રત્યે કૃતજ્ઞતા (આભાર) વ્યક્ત કરે છે.

ગમાણીયા દેવની પૂજા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓ પ્રત્યે સન્માન જાળવવાનો છે. આ સંસ્કૃતિમાં માનવ અને પશુ વચ્ચેનો સંબંધ માલિક અને ગુલામનો નહીં, પરંતુ ‘સહજીવન’ અને ‘સહઅસ્તિત્વ’નો રહેલો છે. આજના આધુનિક યુગમાં જ્યાં ખેતીનું યાંત્રિકીકરણ વધી રહ્યું છે અને ટ્રેક્ટર તથા નવા સાધનોનો વપરાશ વધ્યો છે, ત્યાં પણ ગમાણીયા દેવ જેવી લોકપરંપરાઓ આજેય આદિવાસી સમાજના મૂળ જીવનમૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારોની યાદ અપાવે છે. ગમાણીયો દેવ એ ગમાણની પવિત્રતા, પશુઓ પ્રત્યેનો આદર, ખેડૂતના પરિશ્રમનું સન્માન અને પ્રકૃતિ સાથે કદમ મિલાવીને જીવવાની આદિવાસી જીવનદૃષ્ટિનું જીવંત પ્રતીક છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here