ગાંધીનગર: મલ્ટીપલ સ્ક્લેરોસિસ (MS) જેવી અત્યંત ગંભીર, લાંબા ગાળાની અને અત્યંત ખર્ચાળ ન્યુરોલોજીકલ બીમારીથી પીડાતા ગરીબ, મધ્યમવર્ગીય તથા અંતરિયાળ વિસ્તારના આદિવાસી દર્દીઓની વહારે આવીને સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય સચિવશ્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

ખર્ચાળ સારવારથી આદિવાસી અને ગરીબ પરિવારો આર્થિક મુશ્કેલીમાં ડો. નિરવ પટેલે રજૂઆતમાં જણાવ્યું હતું કે મલ્ટીપલ સ્ક્લેરોસિસમાં દર્દીઓને લાંબા સમય સુધી આધુનિક તબીબી સારવાર, ડિસીઝ-મોડિફાઈંગ થેરાપી (DMTs) અને અત્યંત મોંઘા ઇન્જેક્શનની જરૂર પડે છે. આ સારવારનો વાર્ષિક ખર્ચ લાખો રૂપિયા થતો હોવાથી ગરીબ અને આદિવાસી પરિવારો માટે આ ભારણ ઉઠાવવું અશક્ય બની જાય છે. આર્થિક તંગીના કારણે જો સારવાર અધવચ્ચે અટકી જાય તો દર્દી સંપૂર્ણપણે પથારીવશ થઈ શકે છે અથવા તેના જીવન પર ગંભીર જોખમ ઊભું થાય છે.

સરકાર સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ: MS ના પાત્ર દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક કાયમી “Special Treatment Package” તૈયાર કરવામાં આવે, જેથી દવાઓ, જરૂરી તપાસ અને ન્યુરોલોજી સારવાર કેશલેસ મળી રહે, સામાન્ય પેકેજ મર્યાદા આ બીમારી માટે પૂરતી ન હોવાથી PM-JAY યોજના અંતર્ગત MS ના દર્દીઓ માટે “Special High-Cost Treatment Limit” અથવા “Annual Top-up” ની જોગવાઈ કરવી,  પૈસાના અભાવે કોઈ પણ આદિવાસી કે ગરીબ દર્દીની સારવાર અટકે નહીં તે માટે વિશેષ સરકારી સહાય યોજના અમલમાં મૂકવી, દર્દીને એકવાર મંજૂરી મળ્યા બાદ વારંવાર નવી મંજૂરી લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપીને સરળતાથી ફોલોઅપ સેવાઓ પૂરી પાડવી, દક્ષિણ ગુજરાત સહિતના આદિવાસી વિસ્તારોના દર્દીઓને મોટા શહેરોમાં ધક્કા ન ખાવા પડે તે માટે જિલ્લા અને મેડિકલ કોલેજ સ્તરે “Neurology Referral & Follow-up System” ઊભું કરવું, ગુજરાતમાં આ બીમારીથી પીડાતા દર્દીઓનો સાચો અંક અને ડેટાબેઝ મેળવવા માટે એક અધિકૃત “MS Patient Registry” તૈયાર કરવી. ડો. નિરવ પટેલે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત સકારાત્મક નિર્ણય કરશે, જેથી હજારો દર્દીઓને નવજીવન મળી શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here