વાંસદા: વાંસદા ટાઉન સ્થિત રમેશકુમાર અંબાલાલની આંગડિયા પેઢીમાં બનેલી રૂ. ૧૨.૫૦ લાખની લૂંટના ચકચારી કેસમાં વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. કેસનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) રાજારામ ચૌધરી પોલીસને ચકમો આપવા માઉન્ટ આબુના અંતરિયાળ જંગલમાં આવેલા આશ્રમમાં સાધુના વેશે છુપાયો હતો, જેને વાંસદા પોલીસે ખૂબ જ કુનેહપૂર્વક ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગત: ગત 20/07/2026ના રોજ આરોપીઓએ “ધરમપુર ખાતે આંગડિયું કરવું છે” તેમ કહી પેઢીનો સ્લાઇડર દરવાજો ખોલાવ્યો હતો અને અંદર પ્રવેશ કરી રોકડા રૂ. 12,50,000/- ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસની કાર્યવાહી અને વોન્ટેડ આરોપીની ધરપકડ: સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ તેમજ વાંસદા ડીવાયએસપી શ્રી હરેશ ચાંદુના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ તેજ કરી હતી. અગાઉ એલસીબી અને વાંસદા પોલીસે સંયુક્ત કામગીરી કરી 3 આરોપીઓને પકડી પાડ્યા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર રાજારામ ફરાર હતો.
ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળી હતી કે આરોપી રાજારામ ધરપકડથી બચવા રાજસ્થાનના માઉન્ટ આબુના ઊંચાઈ વાળા અંતરિયાળ જંગલમાં આવેલા આશ્રમમાં મહંતના શિષ્ય (સેવક) તરીકે સાધુના વેશે રહે છે. આ બાતમીના આધારે વાંસદા પોલીસની ટીમે માઉન્ટ આબુ પહોંચી કુનેહપૂર્વક દરોડો પાડી આરોપીને સ્વાંગમાંથી જ ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપીની માહિતી: રાજારામ ઉર્ફે રાજુ રૂપારામ ચૌધરી (ઉં.વ. ૨૨, રહે. આમલારી, જી. સિરોહી – રાજસ્થાન) અગાઉ પકડાયેલા આરોપીઓ: ૧. સોપારામ ઉર્ફે સંતોષ રૂપારામ ચૌધરી (જી. સિરોહી – રાજસ્થાન) ૨. નરેશભાઈ ભગવાનદાસ વૈષ્ણવ (જી. ઝાલોર – રાજસ્થાન) ૩. મોહંમદ તસલીમ કલીમભાઈ રાઈન (રહે. વાંસદા, જી. નવસારી) પકડાયેલ આરોપી રાજારામ સામે વાંસદા પોલીસ સ્ટેશનમાં લૂંટ (BNS), આર્મ્સ એક્ટ, બીએનએસએસ અને પ્રોહિબિશન એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વાંસદા પીઆઈ જે.વી. ચાવડા, પીએસઆઈ એસ.વી. ચોસલા તથા તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.











