AI ફોટોગ્રાફ્સ

ગુજરાત: ગુજરાતના આદિવાસી, નાના અને સીમાંત ખેડૂતો પર વર્ષો જૂના નહેર સિંચાઈ પાણીના બાકી બોજા પર ચડેલું વ્યાજ, દંડ અને પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી માત્ર મૂળ મુદ્દલ રકમ જ વસૂલ કરવા અંગેની રાજ્યવ્યાપી વિશેષ રાહત યોજના (One Time Settlement / Special Amnesty Scheme) તાકીદે જાહેર કરવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે.

રજૂઆતમાં ડૉ. નિરવ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને આદિવાસી તથા નાના ખેડૂતો દ્વારા 15 થી 25 વર્ષ પહેલાં સિંચાઈ વિભાગની નહેરો મારફતે ખેતી માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે ઊભા થયેલા પાણી વપરાશના ચાર્જ વિવિધ કારણોસર ખેડૂતો સમયસર ભરી શક્યા ન હતા. આટલા લાંબા સમયગાળા બાદ સિંચાઈ વિભાગ દ્વારા વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલાત કરવામાં આવી રહી હોવાથી મૂળ રકમ કરતાં અનેક ગણું આર્થિક ભારણ ગરીબ ખેડૂતો પર આવી પડ્યું છે.

પત્રમાં રજૂ કરાયેલા ચોંકાવનારા ઉદાહરણો: એક ખેડૂતની મૂળ બાકી રકમ આશરે 6000 હતી, જે વ્યાજ-દંડ સાથે વધીને 30,000 થઈ ગઈ છે. અન્ય એક ખેડૂતની મૂળ રકમ 52000 ની સામે વ્યાજ અને અન્ય ચાર્જ સાથે આશરે 2 લાખ જેટલી રકમ ભરવાની નોબત આવી છે. ખેડૂતો મૂળ મુદ્દલ રકમ ચૂકવવા તૈયાર હોવા છતાં, 15 થી 25 વર્ષ દરમિયાન ચડેલા અસાધારણ વ્યાજના લીધે આદિવાસી અને સીમાંત ખેડૂત પરિવારોની આર્થિક સ્થિરતા જોખમાઈ છે. આ બાબતને ધ્યાને રાખીને ડૉ. પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે આ વર્ષો જૂના નહેર પાણીના વ્યાજ-દંડના બોજામાંથી મુક્તિ આપીને સરકાર માનવતાપૂર્વક તાત્કાલિક વ્યાજ-દંડ માફી યોજના જાહેર કરે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here