વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનિયા ગામ ખાતે આવેલી સાર્વજનિક પુસ્તકાલયમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. પી.આઈ. કિરણ પાડવીએ પોતાના જન્મદિવસની ઉજવણી માત્ર વ્યક્તિગત ખુશી સુધી સીમિત ન રાખતા સમાજના ભવિષ્ય સમાન યુવાનો માટે કરી હતી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તેવા વિવિધ ઉપયોગી પુસ્તકો ભેટમાં આપ્યા હતા.

આ પ્રસંગે પી.આઈ. કિરણ પાડવીએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે યોગ્ય માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત પુસ્તકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનો શિક્ષણ અને જ્ઞાનના માધ્યમથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી સમાજ અને દેશની સેવા માટે આગળ આવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જરૂરી છે.”

આ કાર્યક્રમમાં ગામના આગેવાન જયંતીભાઈ બિરારી, સુનિલભાઈ બિરારી, દિપકભાઈ, કોર્ટ આસિસ્ટન્ટ વિપુલભાઈ દેશમુખ તથા ટ્રેકર દિવ્યેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જયંતીભાઈ બિરારી અને દિપકભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપતા પી.આઈ. કિરણ પાડવીની આ પહેલને બિરદાવી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માનકુનિયા સાર્વજનિક પુસ્તકાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here