ધરમપુર: આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુર દ્વારા બામટી-લાલડુંગરી ગ્રામ પંચાયત હોલ ખાતે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે GPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મફત તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા 110 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રત્યેક વિદ્યાર્થીને 5 પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગુણવત્તાયુક્ત તૈયારી માટે મોટા શહેરોમાં ન જવું પડે અને તેમને ઘરઆંગણે જ યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

તાલીમ વર્ગની મુખ્ય વિગતો: આ તાલીમ વર્ગ અઠવાડિયામાં બે દિવસ (દર શનિવાર અને રવિવાર) યોજાશે અને આશરે 90 દિવસ સુધી ચાલશે. GPSC, GSSSB, SSC, રેલવે તેમજ વર્ગ-3ની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિષયવાર તૈયાર કરવામાં આવશે. નિષ્ણાત ફેકલ્ટી દ્વારા અભ્યાસનું આયોજન, પ્રશ્નપત્રની સમજ, પરીક્ષા પદ્ધતિ અને વિષયવાર તૈયારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ તાલીમનો લાભ બામટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ લઈ શકશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, નગરપાલિકાના માજી સભ્ય ધીરજભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here