માંગરોળ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રતોલા ગામની દીકરી અંગીતાબેન દાદુભાઈ ચૌધરીએ શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવીને સમગ્ર ગામ તથા ચૌધરી સમાજનું નામ રોશન કર્યું છે. અંગીતાબેને ગાંધીજી દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાતી અને સંસ્કૃત ભાષાના ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ મેડલ હાસલ કર્યો છે.
અંગીતાબેનની અભ્યાસ પ્રત્યેની સતત મહેનત, લગન અને નિષ્ઠાના પરિણામે તેમને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષાઓ પર પ્રભુત્વ મેળવીને વિદ્યાપીઠ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવવું એ તેમની શૈક્ષણિક ક્ષમતા દર્શાવે છે. ગામની દીકરીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સુવર્ણ સફળતાના સમાચાર મળતાં જ રતોલા ગામમાં તથા પરિવારજનોમાં અસીમ આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.
આ સિદ્ધિ ગ્રામીણ વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા અને આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે. અંગીતાબેનની આ વિશેષ સફળતા બદલ તેમના પરિવારજનો, શિક્ષકો, ગ્રામજનો તથા સ્નેહીઓ દ્વારા તેમને અભિનંદનનો વર્ષાવ કરવામાં આવ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.











