ડાંગ: ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર ધાર્મિક સ્થળ ‘સીતાવન’ ખાતે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરી ખંડિત કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ડાંગ જિલ્લાના ગ્રામજનો અને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી કાનૂની તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની સુરાગ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોની વહેલામાં વહેલી તકે અટકાયત કરી તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માગ ઉઠી છે.

આ ઘટનાના વિરોધમાં અને અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માગ સાથે આવનારી ૩૧ તારીખે ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. બીજી તરફ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવતા સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપી તપાસમાં સહયોગ આપવા માટે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here