દક્ષિણ ગુજરાત: રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર દિવસે ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને જમીન સાથે જોડાયેલી એક અત્યંત રોચક અને અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. આ દિવસે ખેતરો અને ચવાળા (ઘાસીયા જમીન) માં ‘ખૂંટ’ અથવા ‘મહય’ રોપવાની રુઢિ પાછળ સદીઓ જૂનો ઈતિહાસ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રહેલો છે.

ઈ.સ. 1860 પહેલાંના સમયગાળામાં ગ્રામીણ વિસ્તારોમાં જમીનની વ્યક્તિગત માલિકીનો કોઈ ચોક્કસ ખ્યાલ નહોતો. તે સમયે લોકો ‘ઝૂમ ખેતી’ (ફરતી ખેતી) કરતા હતા. જે-તે વ્યક્તિએ જે જગ્યાએ વાવણી કે રોપણી કરી હોય અથવા પશુઓ માટે ઘાસ સાચવ્યું હોય, તે જમીન પર પોતાનો હક્ક દર્શાવવા માટે સાંકેતિક રૂપે ‘ખૂંટ’ રોપવાની શરૂઆત થઈ હતી. સમય વિતવા સાથે આ રીતરસમમાં ફેરફાર આવ્યા, પરંતુ આ પરંપરા આજે પણ લોકસંસ્કૃતિના ભાગરૂપે કાયમ રહી છે. બળેવની સવારે ખેડૂત પોતાના ખેતર માટે ખજૂરી, સાગ, ખાખરો કે અન્ય વૃક્ષની ડાળીઓ કાપી લાવે છે. ત્યારબાદ ઘરમાં આંગણામાં સળગતા લાકડા પર ધૂપ કરવામાં આવે છે. લાવેલી ડાળીઓને પૂર્વ (ઉગમણી) દિશા તરફ રાખી ધૂપ ઉપરથી ફેરવીને પવિત્ર કરવામાં આવે છે.

વિધિ પૂર્ણ થયા બાદ પ્રથમ ડાળી ઘર નજીકના ઉકરડા પર ખોસવામાં આવે છે. ત્યારપછી ખેતર કે વાડાની વચ્ચોવચ આ ડાળીને ઊભી રોપી દેવાય છે, જેને સ્થાનિક બોલીમાં ‘મહય’ કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ઘરના છાપરા કે નળિયાં પર પણ મહય મુકવાની પરંપરા છે.

આ પરંપરા માત્ર વાવણી પૂરતી સીમિત નથી, પરંતુ લણણી સુધી જોડાયેલી રહે છે. જ્યારે ખેતરનો પાક તૈયાર થઈ જાય અને કાપણી કરવામાં આવે, ત્યારે ‘મહય’ની નજીક પાકનો થોડો ભાગ (થૂંબડી) કાપ્યા વગર એમ જ રાખવામાં આવે છે અને તેને મહયા સાથે બાંધી દેવાય છે. લોકમાન્યતા મુજબ આ છોડવામાં આવેલો ભાગ ‘ચોકીદારનો વીરુ’ એટલે કે ખેતરનું રક્ષણ કરનાર કુદરતી શક્તિઓનું મહેનતાણું ગણાય છે. આધુનિક યુગમાં પણ ખેડૂતો પોતાની સંસ્કૃતિ, પ્રકૃતિ પ્રત્યેનો આદર અને ઐતિહાસિક વારસો જાળવી રાખવા માટે બળેવના દિવસે આ પરંપરા શ્રદ્ધાપૂર્વક નિભાવે છે.

BY: અરુણ ચૌધરી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here