કાઠમંડુ/નવી દિલ્હી: નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલ ભયાનક ફ્લેશ ફ્લડ (Flash Flood)ને કારણે ભારે વિનાશ સર્જાયો છે. પૂરના કાળમુખા પ્રવાહમાં ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તણાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ઘટનાના મુખ્ય અહેવાલો અને નુકસાન: કુદરતી આપત્તિમાં 157થી વધુ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. 133 ભારતીય નાગરિકો સહિત સેંકડો લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે, જેમાં વિદેશી પ્રવાસીઓ અને યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. 19 જેટલા મોટેરેબલ પુલો અને અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ જતાં દુર્ગમ વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે.
પૂર આવવાનું સંભવિત કારણ: વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના પ્રાથમિક અનુમાન મુજબ, હિમાલયના ઊંચાઈ વાળા વિસ્તારોમાં ભારે વરસાદ અથવા ગ્લેશિયર પિગળવાને કારણે ‘ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) જેવી સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા છે. જોકે, ચોક્કસ કારણ અંગે વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે.
યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી: નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારતે માનવતાવાદી ધોરણે મદદ લંબાવતા વાયુસેનાના C-130J વિમાન મારફતે 10 ટન રાહત સામગ્રી નેપાળ પહોંચાડી છે. ભારતીય દૂતાવાસ ગુમ થયેલા ભારતીયોની શોધખોળ માટે નેપાળી સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. આ ઘટનાએ સમગ્ર હિમાલયન ક્ષેત્રમાં ક્લાઈમેટ ચેન્જ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમ (Early Warning Systems) સજ્જ કરવાની ગંભીર જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે.











