ડીસીઝન વિશેસ: ગરીબી અને મુશ્કેલીઓ ક્યારેય મહેનત અને દ્રઢ મનોબળ આગળ ટકી શકતી નથી, તેનો જીવંત દાખલો છે ગુજરાત કેડરના ૨૦૧૬ બેચના IPS અધિકારી પ્રેમસુખ ડેલુ. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રાસીસર ગામના એક અત્યંત સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા પ્રેમસુખ ડેલુ આજે એક પ્રામાણિક, નિષ્ઠાવાન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત વલણ ધરાવતા કડક અધિકારી તરીકે જાણીતા છે.
પ્રેમસુખ ડેલુના પિતા પાસે પૂરતી જમીન ન હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા માટે તેઓ ઊંટગાડી પણ ચલાવતા હતા. આર્થિક તંગીના કારણે ઘણીવાર પુસ્તકો અને નોટબુક ખરીદવી પણ મુશ્કેલ બનતી હતી. પ્રેમસુખે બાળપણમાં ભણવાની સાથે પિતાના કામમાં પણ મદદ કરી હતી. તેમના માતા-પિતા અશિક્ષિત હોવા છતાં, તેમણે પુત્રની ભણતર પ્રત્યેની રુચિ જોઈને તેને હંમેશા આગળ વધવા પ્રેરણા આપી હતી. પિતાના ત્યાગ અને સમર્પણને જોઈને જ તેમણે સરકારી નોકરી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો. B.A., M.A. (ઇતિહાસ) અને B.Ed. સુધીનો અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલુની મહેનતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે IPS બનતા પહેલાં તેમણે અલગ-અલગ ૧૨ સરકારી પરીક્ષાઓ આપી હતી અને તે તમામમાં સફળતા મેળવી હતી.
પોલીસ કારકિર્દી અને નવી જવાબદારી
UPSC પરીક્ષા પાસ કરીને ૧૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય પોલીસ સેવામાં (IPS) જોડાયા બાદ તેમણે ગુજરાત કેડરમાં વિવિધ મહત્વના પદો પર સેવાઓ આપી છે. ૨૦૨૨થી તેઓ જામનગરના SP તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ ૨૨ ઓગસ્ટ ૨૦૨૫થી તેઓ સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) તરીકે કાર્યરત છે.
લોકો કહે છે કે એકદમ નોન કરપ્ટેડ અધિકારી, ગરીબોના મસીહા, દારૂના અને ગેરકાયદેસર પ્રવૃતિના સખ્ત વિરોધી IPS પ્રેમસુખ ડેલુ, દારૂબંધી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવતા આ અધિકારી આજે લાખો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.











