ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબાતલાટ સામેથી પસાર થતી તાન નદીમાં મોટી કાંસવી ગામના ૨૨ વર્ષીય યુવકે કોઈક અકળ કારણોસર કૂદકો મારીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 16 કલાકની ભારે શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમને નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

Decision News ને  પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુર તાલુકાના મોટી કાંસવી સામેના નદી ફળિયામાં રહેતો હિમાંશુ શંકરભાઈ ગાવિત ડી.જે. ઓપરેટર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થતો હતો. મંગળવારના રોજ આંબાતલાટ સામે નજીક તાન નદીના પુલ પરથી હિમાંશુની બાઈક અને તેનો મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. હિમાંશુ આસપાસ ક્યાંય નજરે ન પડતાં તેણે તાન નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ ધરમપુર પોલીસ, ધરમપુર નગરપાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નદીમાં સઘન શોધોળ હાથ ધરી હતી. આ રેસ્ક્યૂ કામગીરીમાં પારડીના ચંદ્રપુરના અનુભવી તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી.

અંદાજે 16 કલાક સુધી ચાલેલી સતત શોધખોળ બાદ છેવટે હિમાંશુનો મૃતદેહ તાન નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here