ખેરગામ: નવમી ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર દેશભરના આદિવાસી વિસ્તારોમાં ભારે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, પરંતુ સાથોસાથ આદિવાસી અનામત સીટ પરથી ચૂંટાયેલા નેતાઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાના કોઈ સંદેશ કે રિલ નહીં મુકાતા કે કોઈપણ સ્થળે કાર્યક્રમોમા નહીં દેખાતા લોકોમાં ભારે રોષની લાગણીઓ જોવા મળી હતી.જેના પગલે વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ નહીં પાઠવનાર 10 કરતા વધારે નેતાઓના નામો સાથે સોસીયલ મીડિયામા મેસેજ ફરતા થયાં હતા.

આ બાબતે પ્રતિક્રિયા આપતાં ખેરગામના યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી પાસે ઉપલબ્ધ આધારભુત માહિતી અનુસાર આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી એક સંસ્થાએ એક ગુપ્ત ફરમાન બહાર પાડી નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.અને દુઃખદ વાત એ હતી કે એવી સંસ્થાનો આદેશ માની કેટલાક નેતાઓએ આદિવાસી દિવસની શુભકામનાઓ આપવાનું અને રેલીઓમાં રૂબરૂ હાજર રહેવાનું ટાળ્યું હતું.તો એવા નેતાઓને અમારા સવાલ છે કે જો કાલે ઉઠીને આ સંસ્થા તમને અને આદિવાસી સમાજના લોકોને ફાટેલા કપડાં પહેરવા કહેશે, શિક્ષણ લેવાની ના પાડશે,જૂની જાતિવાદી સિસ્ટમની પાછી અમલવારી કરવાનું કહેશે કે પછી આદિવાસી સમાજને નુકસાન કરતા અન્ય કોઈપણ ફરમાનો બહાર પાડશે ત્યારે તે પણ ચુપચાપ સહન કરી લેશો કે અવાજ ઉઠાવશો. આદિવાસી સમાજે હવે સમજવાની જરૂર છે કે આવી માનસિકતાનો ઉગ્રતાનો વિરોધ થવો જોઈએ,નહિતર બધા ભણીગણી જશે તો તેઓને ત્યાં મજૂરીએ કોણ જશે એવી માનસિકતા ધરાવતા લોકો આપણને પુન: ગુલામીની ગર્તા તરફ લઇ જવાની પેરવી કરી રહ્યા છે તે સ્પષ્ટ રીતે જણાય આવે છે.

બાબાસાહેબ આંબેડકરના સૂત્ર “શિક્ષિત બનો,સંગઠિત બનો,સંઘર્ષ કરો” વિષે અમલવારીની તાતી જરૂરિયાત છે અને મહત્વની વાત એ છે કે ધીરે ધીરે આદિવાસી સમાજની વધી રહેલી એકતાથી જેલોકોના પેટમા દુખાવો થતો છે તેલોકો આદિવાસી સમાજે શું કરવાનું અને શું નહીં કરવાનું તે નક્કી કરશે?નવમી ઑગસ્ટનો વિરોધ કરનાર લોકોને અમારો સ્પષ્ટ સંદેશ છે કે કોઈની તાકાત નથી કે આદિવાસી સમાજની એકતાને તોડી શકે કે ખોટી ખોટી ભ્રમણાઓ ફેલાવી લોકોના મનમાં ઝેર ભરી નવમી ઓગસ્ટની ઉજવણી બંધ કરાવી શકે.દર વર્ષે આદિવાસી સમાજ નવમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી વટભેર કરશે જ અને પોતાના હકઅધિકારની વાતો પણ કરશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here