સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આગામી ૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ આદિવાસી દિન’ નિમિત્તે શહેરમાં એક વિશાળ અને ભવ્ય સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની તૈયારીઓ માટે ૨ ઓગસ્ટના રોજ આદિવાસી સમાજ ભવન, ભટાર ખાતે એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની આખરી રૂપરેખા તૈયાર કરી જુદી જુદી સમિતિઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

Decision News ને  મળેલી જાણકારી મુજબ રેલીનો રૂટ અને કાર્યક્રમની વિગત: 9 મી ઓગસ્ટે સવારે 10:00 વાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર-તોરા કરી ઉધના દરવાજાથી રેલીની શરૂઆત થશે. આ રેલી અઠવાગેટ અને પોલીસ કમિશનર કચેરી થઈ ઉમરા પોલીસ સ્ટેશન બાજુમાં આવેલા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે પહોંચશે, જ્યાં મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ વખતની રેલીના મુખ્ય આકર્ષણો અને વિશેષતાઓ: નવયુવાનો અને સમાજના આહ્વાન પર આ વખતે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભુલાઈ ગયેલી સંસ્કૃતિને જીવંત કરવા સમાજના પરંપરાગત વાજિંત્રો, પ્રાકૃતિક સાધનો અને પરંપરાગત પહેરવેશ સાથે જ રેલી નીકળશે, સંગઠન અધ્યક્ષ કાંતિભાઈ એફ. કુન્બીની લીડરશિપમાં ૧૨ જ્ઞાતિ મંડળના પ્રમુખ-મંત્રીઓ, વિવિધ મહિલા એસોસિએશન, યુવાનો અને સુરતમાં વસતા તમામ આદિવાસી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાશે, સમાજમાં જાતિના દાખલા બાબતે ઊભી થયેલી સમસ્યાઓ અને તેના સમાધાન અંગે સુરતના નવયુવાનો દ્વારા એક વિશેષ નાટક અને પોડકાસ્ટ રજૂ કરવામાં આવશે, ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિ પૂજા, પર્યાવરણ બચાવ અને ‘જળ, જમીન, જંગલ’ના સંવર્ધન તથા સંરક્ષણ અંગે સ્ટેજ પરથી જાગૃતિ કાર્યક્રમો રજૂ કરાશે, કાર્યક્રમ સ્થળે (ઉમરા પાર્ટી પ્લોટ) ઉપસ્થિત તમામ સભ્યો માટે પીવાના પાણી અને જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેરમાં વસતા તમામ આદિવાસી ભાઈ-બહેનોને એક તાંતણે બંધાઈ, સંગઠિત થઈ પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here