માંગરોળ : સરકારી પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર આયુષીબેન ચૌધરીએ પોતાની સફળતા અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાની સફળતાની ખુશીમાં ઘોડબાર સાર્વજનિક લાઈબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી એવા પુસ્તકો ભેટમાં આપ્યા હતા.
આયુષીબેને આ જ સાર્વજનિક લાઈબ્રેરીમાં નિયમિત બેસીને સતત પરિશ્રમ અને સમર્પણ સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરી સફળતા હાંસલ કરી છે. પોતાની તૈયારી દરમિયાન ઉપયોગી નીવડેલા તેમજ અન્ય પરીક્ષાર્થીઓને મદદરૂપ થઈ શકે તેવા પુસ્તકો અર્પણ કરીને તેમણે જ્ઞાનના દાન સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લાઈબ્રેરીના સંચાલકો તેમજ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સેવાભાવી કાર્યને ઉત્સાહભેર વધાવી લીધું હતું. સંચાલકોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સરકારી નોકરી મળ્યા બાદ લોકો લાઈબ્રેરી સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે, ત્યારે આયુષીબેનનો આ પ્રયાસ અન્ય સફળ ઉમેદવારો માટે પ્રેરણારૂપ બનશે. જો સફળ થયેલા યુવાનો પોતાની ક્ષમતા મુજબ લાઈબ્રેરીને અભ્યાસ સામગ્રીનું દાન કરે, તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળી શકે છે.
આ પ્રેરણાદાયી પ્રસંગે લાઈબ્રેરી પરિવાર અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા આયુષીબેનનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. સૌએ તેમને સરકારી પરીક્ષામાં મળેલી સફળતા તેમજ જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આયુષીબેનની આ પહેલે સમાજમાં જ્ઞાન વહેંચવાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.











