વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સિંગાડ ગામમાં મનરેગા યોજના હેઠળના કામોમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ કૌભાંડના પગલે સિંગાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉમાબેન વિજય પટેલ ને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી રૂ. 8,32,440/- ની રિકવરીનો આદેશ પણ અપાયો છે.

આ ભ્રષ્ટાચાર નો પર્દાફાશ ગામના જાગૃત નાગરિક કુંજનકુમાર હસમુખ પટેલ દ્વારા પી.જી. પોર્ટલ પર કરાયેલી ફરિયાદને કારણે થયો હતો. આ ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અહેવાલમાં સામે આવ્યું કે, વ્યક્તિગત જમીન સમતળના કુલ 11 કામોમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આવી હતી. આ પૈકી 2 કામો સ્થળ પર થયા જ ન હતા., જ્યારે 9 કામોમાં માનવબળ ના બદલે મશીનરીનો ઉપયોગ કરીને નાણાંકીય ગેરરીતિ કરવામાં આવી હતી.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 (1) હેઠળ સત્તાનો દુરુપયોગ કરવા અને ગ્રામ પંચાયતને નાણાંકીય નુકસાન પહોંચાડવા બદલ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ ઉમાબેન વિજય પટેલને બરતરફ કરાયા છે. પંચાયત અધિનિયમની કલમ 55 મુજબ, સરપંચનો ચાર્જ ઉપસરપંચ ઉષાબેન હિતેશ પટેલને સોંપવાનો આદેશ તાલુકા વિકાસ અધિકારી, વાંસદા દ્વારા જારી કરાયો છે. મનરેગા કૌભાંડમાં થયેલા ચૂકવણાની કુલ રકમ રૂ. 8,32,440/- ની વસુલાત (રિકવરી) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો નિયત સમય મર્યાદામાં આ રકમની રિકવરી કરવામાં નહીં આવે તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઈ છે.

આ કૌભાંડમાં સામેલ અન્ય જવાબદારો સામે પણ પગલાં લેવાયા છે. તલાટી કમ મંત્રી હિમાંશુ ડી રાઠોડ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સૂચના અપાઈ છે. આઉટસોર્સ એજન્સી મારફત કાર્યરત ટેકનિકલ આસિસ્ટન્ટ રવિન્દ્ર ડી. થોરાતને કામગીરી માંથી મુક્ત કરાયા છે. મેટ મયુર સુમન પટેલને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કરાયો છે, જ્યારે કરાર આધારિત ગ્રામ રોજગાર સેવક સુરેખા એસ. પટેલને કારણ દર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here