ખેરગામ: ગુજરાત રાજ્યના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં બેંકિંગ તથા ટપાલ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે ખેરગામના યુથ લીડર અને ગોલ્ડ મેડાલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી તથા નાણા સચિવને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે IBPS દ્વારા થતી બેંક ભરતી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતીય ટપાલ વિભાગની ભરતીમાં આદિવાસી વિસ્તારોના સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવા તેમજ ભરતીની શરતોનો કડક અમલ કરવાની માંગ કરી છે.
આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ અને બેંક કર્મચારીઓ સરકારી યોજનાઓ, DBT, પેન્શન, કૃષિ સહાય અને નાણાકીય સમાવેશ (Financial Inclusion) જેવી સેવાઓ પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જોકે, અન્ય રાજ્યોમાંથી આવતા કર્મચારીઓને ગુજરાતી કે સ્થાનિક આદિવાસી બોલીનું જ્ઞાન ન હોવાના કારણે સામાન્ય નાગરિકો સાથે અસરકારક સંવાદ થઈ શકતો નથી, જેના લીધે લોકોને બેંકિંગ અને ટપાલ સેવાઓનો પૂરો લાભ મળતો નથી.
મુખ્ય માંગણીઓ:
1. ગુજરાતી ભાષા ફરજિયાત: ગુજરાતમાં પોસ્ટિંગ માટે ધોરણ-૧૦માં ગુજરાતી ભાષા વિષય ફરજિયાત હોવો જોઈએ અથવા સમકક્ષ ગુજરાતી ભાષા પ્રાવીણ્ય પ્રમાણપત્ર અનિવાર્ય કરવામાં આવે. 2. સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા: ડાંગ, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને અરવલ્લી જેવા આદિવાસી જિલ્લાઓમાં સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ જાણતા ઉમેદવારોને જ પ્રથમ પસંદગી આપવી. 3. ગ્રાહક સેવા અને નિવારણ: SBI તથા અન્ય બેંકોમાં ગ્રાહક સેવા, ફરિયાદ નિવારણ અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો માટે સ્થાનિક ભાષા જાણતા સ્ટાફની નિયુક્તિ કરવી.
મીડિયા સાથેની વાતચીતમાં ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, આ માંગણીઓનો સ્વીકાર થવાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચશે. ગ્રાહકોની ફરિયાદો ઘટી જશે, સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે તેમજ ગુજરાતની ભાષા, સંસ્કૃતિ અને સુશાસનને મોટું પ્રોત્સાહન મળશે.











