નવસારી: રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને, ઉમેદવારોના હિતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 1 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે આ પરીક્ષા આવનારી 9 ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે. સરકાર અને GPSC દ્વારા આદિવાસી સમાજની રજૂઆત સ્વીકારવામાં આવતાં હજારો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે રસ્તાઓ બંધ થતાં તથા ટ્રેન અને બસ વ્યવહાર અનિયમિત બનતાં પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારો ભારે હતાશા અને મૂંઝવણમાં મુકાયા હતા. દુરદૂરના ગામડાઓ અને અન્ય જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર અને સુરક્ષિત પહોંચવું ઉમેદવારો માટે અત્યંત અસુરક્ષિત બની ગયું હતું.
ઉમેદવારોની આ ગંભીર સમસ્યા અંગે કેટલાક પરીક્ષાર્થીઓએ સમસ્ત આદિવાસી સમાજ (નવસારી જિલ્લા)ના પ્રમુખ અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ યુથ લીડર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સ્થિતિની ગંભીરતા સમજીને ડૉ. નિરવ પટેલ અને અન્ય આગેવાનોએ તાત્કાલિક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તથા GPSC ને લેખિત વિનંતી કરી હતી.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે: કુદરતી આપત્તિના કારણે ઉમેદવારો પોતાની ભૂલ વિના પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉથી બુક કરેલી ટ્રેન-બસ અને રહેવાની વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. પરીક્ષા લંબાવવાથી ઉમેદવારો બિનજરૂરી મુસાફરી, આર્થિક નુકસાન અને જીવના જોખમથી બચી શકશે.
આ રજૂઆતને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા 1 ઓગસ્ટ 2026 ની પરીક્ષા મોકૂફ રાખીને નવી તારીખ 09/08/2026 જાહેર કરવામાં આવી છે. આ અંગે સત્તાવાર વેબસાઇટ, SMS અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઉમેદવારોને જાણ કરવામાં આવી રહી છે, જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે.











