ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ વાડી ગામની દીકરી ક્રિષ્નાબેન વસાવાએ પોતાની અથાક મહેનત, દ્રઢ સંકલ્પ અને લગનના બળે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ક્રિષ્નાબેનની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (State Tax Inspector – STI) તરીકે પસંદગી થતાં જ વાડી ગામ સહિત સમગ્ર તાલુકામાં આનંદ અને ગૌરવની લહેર ફરી વળી છે.
ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોવા છતાં ક્રિષ્નાબેને પોતાના લક્ષ્ય પ્રત્યે સતત નિષ્ઠા દાખવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલી આ ભવ્ય સફળતા તેમની વર્ષોની આકરી મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમની આ પસંદગીથી તેમના પરિવારજનો, સગા-સંબંધાીઓ અને સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિષ્નાબેનની આ મોટી સિદ્ધિથી વાડી ગામનું નામ સમગ્ર સુરત જિલ્લામાં રોશન થયું છે. તેમની આ સફળતા માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને ઉમરપાડા તાલુકાના અન્ય યુવાનો તથા દીકરીઓ માટે પણ એક ઉમદા પ્રેરણાસ્રોત બની રહેશે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પરિવારજનો, સ્નેહીઓ અને સમગ્ર વાડી ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ક્રિષ્નાબેન વસાવાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ તેઓ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે દેશ અને સમાજની ઉત્કૃષ્ટ સેવા કરે તેમજ ઉજ્જવળ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.











