કપરાડા: આજરોજ કપરાડા તાલુકામાં અવિરત પડેલા અતિભારે વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણવાળા પુલ અને કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો તાલુકા મથક અને મુખ્ય માર્ગ સાથેનો વાહનવ્યવહાર પૂરેપૂરો ખોરવાઈ ગયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારે વરસાદના પગલે કોઝવે અને રસ્તાઓ જળબંબાકાર થતાં અનેક અંતરિયાળ ગામો બેટામાં ફેરવાયા છે. ડૂબાણમાં આવેલા મુખ્ય વિસ્તારો: બોરપાડા, બપોરપાડા, ચીચપાડા, જીરવલ અને હેદલબારી જેવા વિસ્તારોના સંપર્ક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય રસ્તાઓને જોડતા કોઝવે પર પાણીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે અને વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા અને કપરાડા તાલુકા વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. નીચાણવાળા અને ડૂબાણ વાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક તલાટી, સરપંચ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ પરિસ્થિતિ પર ચોકીયાત નજર રાખી રહ્યા છે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here