માંડવી: માંડવી તાલુકાના બલેઠી ગામના હોળી ફળિયામાં રહેતી નિરાધાર માતા જાનાબેન રમેશભાઈ ચૌધરી અને તેમના ૧૫ વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ પુત્ર ચંદ્રકાંત ચૌધરીની દયાજનક સ્થિતિ જોઈ જનમિત્ર ફાઉન્ડેશને માનવતાનો આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાચા મકાનમાં અત્યંત કપરા સંજોગોમાં જીવન વિતાવતા આ પરિવાર માટે જનમિત્ર ફાઉન્ડેશને સામાજિક દાતાઓના સહયોગથી પાકું ઘર બનાવી આપ્યું છે. ઘરના નિર્માણ પછી ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા ઘરની આસપાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
જનમિત્ર ફાઉન્ડેશનના સભ્યોએ જ્યારે પરિવારને રાશન પહોંચાડવા માટે મુલાકાત લીધી ત્યારે તેમની દયનીય સ્થિતિ જોઈને ભાવુક બની ગયા હતા. પરિવાર પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાથી સરકારી યોજનાઓનો લાભ પણ મળતો ન હતો. આ સ્થિતિને જોતાં ફાઉન્ડેશને તાત્કાલિક પગલાં લઈને ઘર બનાવવાનો નિર્ણય લીધો હતો.
‘દોસ્તી યારી ગ્રુપ’ તરીકે કાર્યરત મિત્રોના જૂથ દ્વારા સ્થાપિત જનમિત્ર ફાઉન્ડેશન વિવિધ સામાજિક કાર્યો જેમ કે ગૌસેવા, અનાથ આશ્રમના બાળકોની મદદ, પર્યાવરણ સંરક્ષણ અને નિરાધારોની સેવા કરી રહ્યું છે. ફાઉન્ડેશનમાં 15 થી વધુ સક્રિય સભ્યો જોડાયેલા છે. આ કાર્ય દ્વારા જનમિત્ર ફાઉન્ડેશને એક વખત વધુ સાબિત કર્યું છે કે સમાજસેવા એ માત્ર શબ્દો નથી, પરંતુ કાર્ય છે.











