નાનાપોઢા: નવનિર્મિત નાનાપોઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ ચૂંટણી શનિવારે ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં શિક્ષક સમર્પણ પેનલએ નોંધપાત્ર જીત મેળવીને તાલુકાના શિક્ષકોનો વિશ્વાસ જીત્યો છે.
પ્રમુખ પદની સીધી અને રસપ્રદ ટક્કરમાં શિક્ષક સમર્પણ પેનલના ઉમેદવાર મિતેષ પટેલએ નવ શક્તિ પેનલના અજય પટેલને ૫૩ મતના અંતરથી પરાજિત કરીને વિજય હાંસલ કર્યો હતો. પરિણામ જાહેર થતાં સમર્પણ પેનલના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખજાનચી પદ સિવાયના અન્ય તમામ હોદ્દાઓ પર શિક્ષક સમર્પણ પેનલના ઉમેદવારો વિજયી બન્યા છે. આ ચૂંટણી નાનાપોઢા તાલુકાની રચના પછી પ્રથમ વખત યોજાઈ હોવાથી તેને ઐતિહાસિક મહત્વ આપવામાં આવી રહ્યું છે. મિતેષ પટેલ અગાઉ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અનુભવ, સંગઠન ક્ષમતા અને શિક્ષકોના પ્રશ્નો પ્રત્યેની સક્રિયતાને કારણે તેઓ ફરી વિશ્વાસુ બન્યા છે.
ચૂંટણી બાદ પત્રકારો સાથે વાત કરતાં મિતેષ પટેલે જણાવ્યું કે, “શિક્ષકોએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને હું નિષ્ઠાપૂર્વક વળાવીશ. તાલુકાના તમામ શિક્ષકોના હિતને પ્રથમ પ્રાથમિકતા આપીને વહીવટી, શૈક્ષણિક અને સેવા સંબંધિત મુશ્કેલીઓના નિરાકરણ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે જૂની પેન્શન યોજના (OPS), ફરજિયાત ટેટ પરીક્ષા, બદલી, બઢતી, સેવા સુરક્ષા જેવા રાજ્યસ્તરના મહત્વના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવશે. શિક્ષકોના અધિકારો અને ગૌરવનું રક્ષણ એ સંઘનું મુખ્ય ધ્યેય રહેશે. ચૂંટણી પ્રસંગે કપરાડા અને ધરમપુર તાલુકાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.











