વાંસદા:  ગતરોજ વાંસદા શહેરમાં જૂની ગ્રામીણ બેંકની બાજુમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીમાં બે અજાણ્યા ઇસમોએ બપોરના સમયે ફિલ્મી અંદાજમાં બંદૂક બતાવી લૂંટની સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાની જૂની ગ્રામીણ બેંકની બાજુમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીમાં અજાણ્યા બે લૂંટારુઓએ ગ્રાહકના સ્વાંગમાં અચાનક પેઢીમાં ઘૂસીને કર્મચારીઓ પર રિવોલ્વર ધરી  દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવી પેઢીમાં રાખેલી અંદાજે 12 થી 15 લાખની રોકડ લૂંટી લીધી અને ગણતરીની મિનિટોમાં જ સફેદ કલરની સિયાઝ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

હંમેશની જેમ ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. લૂંટારુઓની દિશા અને વાહનની ઓળખ મેળવવા માટે પોલીસે જિલ્લાભરમાં નાકાબંધીના આદેશ આપ્યા છે. લોકો કહે છે કે ધોળા દહાડે આ પ્રકારની ઘટના દર્શાવે છે કે વાંસદા પોલીસનો ચોરોમાં હવે ડર રહ્યો નથી, ઘણા ખરા પોલીસ કર્મીઓ તો રીલ બનાવવામાં વ્યસ્ત રહે છે, ગરીબ બાઈક ચાલકો કે શાકભાજીવાળા પીકઅપ પર ઉઘરાણી કરતાં થાકતાં નથી, તો આ ચોરોને ધાકમાં રાખવાનો સમય જ ક્યાંથી મળે છે.. હાલમાં તો વાંસદામાં તહેવારોના સમયે ધોળા દિવસે બનેલી આ હિંસક ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here