તાપી: હાલમાં જ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને તેમનું શિક્ષણ તેમનો મૂળભૂત અધિકાર પણ છે. ત્યારે તાપી જિલ્લાની ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ની ટીમ દ્વારા સરકારી શાળામાં એક પ્રશંસનીય કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તાપી જિલ્લાની એક સરકારી શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા 10થી 15 દિવસથી શાળાએ જવાનું ટાળી રહી હતી. શિક્ષકો અને વાલીઓના અનેક પ્રયાસો છતાં તે શાળાએ જવા તૈયાર નહોતી. આ બાબતની જાણ થતાં જ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમે ત્વરિત પગલાં લીધાં. હેલ્પલાઇનની ટીમે બાળકી સાથે પ્રેમ, હૂંફ અને ધીરજપૂર્વક વાતચીત કરીને તેનો વિશ્વાસ જીત્યો. બાળકીના મનમાં રહેલા ડર અને મૂંઝવણોને સંવેદનશીલતાથી સાંભળી તેનું સમાધાન કરવામાં આવ્યું. બાળકી, તેના માતા-પિતા અને શિક્ષકો વચ્ચે ત્રિપક્ષીય સંવાદ યોજીને સકારાત્મક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
આ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે બાળકીએ બીજા જ દિવસથી પોતાની જિદ્દ છોડીને અત્યંત ઉત્સાહ સાથે નિયમિત શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના સક્ષમ નેતૃત્વ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને સફળ બનાવવા પૂર્ણ કટિબદ્ધ છે.











