ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામની ધર્મિષ્ઠા પટેલે ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિને લઈને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
નાનીવહિયાળ ગામના માજી સરપંચ સ્વ. જમશુભાઈ પટેલના પુત્ર કમલેશ પટેલની દીકરી ધર્મિષ્ઠા પટેલે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ માલનપાડાની સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. બાળપણથી જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહેલી ધર્મિષ્ઠાએ આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સઘન તૈયારી કરી હતી. તેમની આ સફળતા ગ્રામ્ય વિસ્તારની અન્ય છોકરીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
ધર્મિષ્ઠા પટેલે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાના આશીર્વાદ, પરિવારના સહયોગ અને પોતાની અથાગ મહેનતને આપ્યો છે. તેમની સિદ્ધિની ખુશીમાં પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો અને ગામલોકોએ શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.











