આહવા: ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્રને અનેક માર્ગો પર પાણી ફરી વળવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લાના કુલ 29 ગ્રામીણ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નેશનલ હાઈવે નં. 953 પર ભૂસ્ખલનની ઘટના પછી તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તો ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટીતંત્રના અહેવાલ મુજબ, સાપુતારા તરફ જતા નેશનલ હાઈવે નંબર 953 (શામગહાન-માલેગામ-સાપુતારા રોડ) પર સાપુતારાથી 500 મીટર નીચે ગણેશ મંદિર પાસે કાળમીંઢ ખડકો સાથે ભેખડ ઘસી આવી હતી. વરસાદ વચ્ચે પણ લાશ્કરોએ ત્વરિત કાર્યવાહી કરીને અવરજવર માટે રસ્તો સાફ કર્યો હતો. જિલ્લામાં કોઝવે, માઈનોર બ્રિજ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં  8 જુલાઈની સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ 29 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. આમાં વઘઈ તાલુકાના ૧૯, આહવા તાલુકાના ૮ અને સુબીર તાલુકાના ૨ માર્ગો સામેલ છે. આ તમામ માર્ગો પર પુલ અને કોઝવે ઉપર પાણી ઓવરટોપિંગ થવાને કારણે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે.

બંધ માર્ગોની મુખ્ય યાદી:
વઘઈ તાલુકા (19 માર્ગો): માછળી ચીખલા દિવડયાવન રોડ, ઘોડવહળ વી.એ. રોડ, આહેરડી બોરદહાડ રોડ, માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ વગેરે.

આહવા તાલુકા (8 માર્ગો): બારીપાડા ચિરાપાડા રોડ, રાનપાડા ભાપખલ બારીપાડા રોડ, ચિકટીયા ગાઢવી રોડ, શામગહાન ભુરાપાણી ચિરાપાડા રોડ વગેરે.

સુબીર તાલુકા (2 માર્ગો): કાકડવિહિર ખેરિન્દ્રા ચમારપાડા રોડ, હીદળા થી ધુડા રોડ.

જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી પાણી ભરાયેલા કોઝવે, નાળા કે બંધ માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો. મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિની માહિતી મેળવીને જ પ્રવાસ કરવો અને જરૂર વગરની મુસાફરી ટાળવી. પાણીનું સ્તર ઘટતાં તબક્કાવાર માર્ગો ફરીથી ખોલવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધિત વિભાગો સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here