આહવા: ડાંગ જિલ્લાની ચિચિનાગાંવઠા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ઠાઠરા ગામે વર્ષ 2024-25 માં A.T.V.T. યોજના હેઠળ બનાવેલું નવું નાળું (કોઝવે) પ્રથમ વરસાદમાં જ તૂટી ગયું છે. આ ઘટનાએ સ્થાનિક આદિવાસીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.

ખેરગામના યુવા નેતા અને છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ આ બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને વિગતવાર ફરિયાદ કરી છે.
ફરિયાદમાં ઉઠાવેલા મુદ્દા:
• આ નાળું સ્મશાન તરફ જતા રસ્તા પર બનાવવામાં આવ્યું હતું.
• ગત વર્ષે જ પૂર્ણ થયેલા આ કામમાં હલકી ગુણવત્તાના મટિરિયલ અને તકલાદી કામગીરીનો આરોપ છે.
• પ્રથમ વરસાદમાં સિમેન્ટ-કોંક્રીટના ભાગ ધોવાઈ ગયા છે અને સિમેન્ટના પાઈપો ખસી ગયા છે.
• લાખો રૂપિયાના આ કામે એક વર્ષ પણ ટકાઉપણું દાખવ્યું નથી.

Decision News સાથે વાત કરતાં ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, આ રસ્તો બંધ થવાથી સ્થાનિક લોકોને અંતિમ સંસ્કારમાં મુશ્કેલી પડી રહી છે. તેમજ આદિવાસી બાળકોને શાળાએ જવામાં, દર્દીઓ અને સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચવામાં જીવનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે.
માંગણીઓ:
• કામ કરનાર કોન્ટ્રાક્ટર/એજન્સીને કાયમી બ્લેકલિસ્ટ કરવામાં આવે.
• કામની મંજૂરી આપનાર અને દેખરેખ રાખનાર ઈજનેર તથા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
• નાળાનું તુરંત યોગ્ય ટેકનિકલ પદ્ધતિથી પુનઃનિર્માણ કરાવવામાં આવે.

ડો. નિરવ પટેલે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવતા સરકારી નાણાંના દુરુપયોગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જિલ્લા કલેક્ટર પાસે ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. સ્થાનિક લોકો આ ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here