ગાંધીનગર: ગુજરાતમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરીઓમાં પ્રવેશવાના આરોપો વચ્ચે સમસ્ત આદિવાસી સમાજે મુખ્યમંત્રીને ઔપચારિક ફરિયાદ કરી છે. સમાજના આગેવાનોએ આ મુદ્દે ‘સાચા આદિવાસીઓ ત્રસ્ત અને ડુપ્લીકેટ આદિવાસીઓ અલમસ્ત’ જેવી સ્થિતિનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
ફરિયાદમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામના પાલીયા પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિવારના ચાર સભ્યોના સર્ટિફિકેટ અને ભરતી રેકોર્ડમાં કથિત વિરોધાભાસ હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં ઉઠાવેલા મુખ્ય મુદ્દા:
• આ પરિવાર પેઢીઓથી ગઢવી સમાજ (OBC/SEBC) માં છે અને તેમની પાસે OBC સર્ટિફિકેટ પણ છે.
• પરિવારના સગા સભ્ય (ફોઈ) ગીતાબેન બાબભા લાંબાએ વર્ષ ૨૦૧૭માં OBC અનામતમાંથી સરપંચ તરીકે ચૂંટણી જીત્યા હતા.
• છતાં તેમના સંતાનોએ ટૂંકા સમયમાં ST સર્ટિફિકેટ મેળવીને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.
પાલીયા પરિવારના સભ્યોના કથિત કિસ્સા:
• વિશાલ માણસુરભાઈ પાલીયા: 2017 માં Police Constable ભરતીમાં SEBC કેટેગરીમાં દેખાયા, પરંતુ ૨૦૧૮-૧૯માં હાઈકોર્ટ ક્લાર્ક તરીકે ST કેટેગરીમાં સિલેક્ટ થયા.
• આરાધના માણસુરભાઈ પાલીયા: તાજેતરમાં GSSSB મહેસૂલ તલાટી (ST Girl) તરીકે પસંદ થયા.
• મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા: અગાઉ SEBCમાં, પછી ST તરીકે Live Stock Inspectorમાં સિલેક્ટ.
• અભય અરવિંદભાઈ પાલીયા: AMC જુનિયર ક્લાર્ક તરીકે ST કેટેગરીમાં નોકરી.
આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને આપેલી ફરિયાદમાં તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી છે. જેમાં:
• આરાધના પાલીયા અને વિશાલ પાલીયાના નિમણૂક/પ્રમોશન પર તાત્કાલિક રોક.
• ઉચ્ચ સ્તરીય SITની રચના કરી તપાસ.
• છેલ્લા ૫ વર્ષના ST ભરતી ડેટાને જાહેર કરવા.
• ખોટા સર્ટિફિકેટ ધારકો સામે ફોજદારી કાર્યવાહી અને પગારની વસૂલાત.
સમાજે ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15(4), 16(૪) અને 342ના રક્ષણ માટે કડક વેરિફિકેશન પોલિસી અમલમાં મૂકવાની માંગણી પણ કરી છે. આ મામલે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ ફરિયાદને લઈને આદિવાસી વિસ્તારોમાં ચર્ચા વ્યાપી છે.











