ડાંગ: ગતરોજ ચોમાસાની ઋતુના આગમન સાથે ડાંગના આદિવાસી બાંધવો ‘તેરાસન’ અથવા ‘તેરા ઉત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ લોક ઉત્સવ પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અનોખો અવસર છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જંગલમાં કુદરતી રીતે ઊગતા તેરાં (અળવી) ના પાનને આ ઉત્સવનું કેન્દ્રસ્થાન માનવામાં આવે છે. આદિવાસીઓ જંગલમાં જઈને આ પાનની પૂજા કરે છે અને કુદરત માતાનો આભાર માને છે. પૂજા પછી આજના દિવસથી તેરાંના પાન ખાવાની પરંપરાગત શરૂઆત થાય છે.

તેરાસનનું મહત્વ
ડાંગના આદિવાસી સમાજમાં તેરાસન એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર છે. ચોમાસાની શરૂઆતમાં ધરતી માતા લીલીછમ બને છે ત્યારે આ ઉત્સવ દ્વારા પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધને ઉજાગર કરવામાં આવે છે. આ તહેવારમાં ગીત-સંગીત, નૃત્ય અને સામૂહિક આનંદનો માહોલ જોવા મળે છે. આ પરંપરા માત્ર ખાણીપીણી સુધી મર્યાદિત નથી, પરંતુ તે જંગલ અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ પણ આપે છે. આદિવાસી ભાઈ-બહેનો માને છે કે કુદરત આપણને આપે છે તેનો આદર કરવો અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ જ સાચી પરંપરા છે.

આ તહેવાર યાદ અપાવે છે કે આધુનિક યુગમાં પણ આપણી મૂળિયાં પરંપરાઓ અને પ્રકૃતિ સાથેનું જોડાણ કેટલું મહત્વપૂર્ણ છે. ડાંગના આદિવાસીઓના આ પરંપરાગત તહેવાર ‘તેરાસન’ની આદિવાસી સમાજને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here