વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં એક વિશેષ ઘટના બની છે. સ્વ. સરોજબેન ગણપતભાઈ માહલાના અવસાન પછી તેમના પરિવારે હાલ પ્રચલિત હિન્દુ પરંપરા અનુસાર બ્રાહ્મણ દ્વારા થતી બારમા-તેરમાની વિધિને બદલે આદિવાસી સમાજની અસલ પરંપરા મુજબ દિયાડાની વિધિ કરી છે. આ ઘટનાએ સ્થાનિક આદિવાસી સમાજમાં પરંપરાઓને પુનર્જીવિત કરવાની ચર્ચાને વેગ આપ્યો છે.
પરિવારજનોએ જણાવ્યું કે, “અમે આદિવાસી છીએ. અમે અમારા પૂર્વજોની પરંપરા અનુસાર જ જન્મ અને મરણની વિધિઓમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે એ જ અસલ રિવાજ અનુસર્યો છે.” તેમણે વધુમાં કહ્યું, “ચાલો આપણે સૌ અસલ આદિવાસી સંસ્કૃતિ તરફ પાછા વળીએ અને આપણી સંસ્કૃતિને નામશેષ થવાથી બચાવીએ.” આદિવાસી સમાજના અનેક વડીલો અને યુવાનો આ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ પરંપરાગત રીત-રિવાજોને જીવંત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના મતે, આધુનિકતાના પ્રભાવમાં આદિવાસી સંસ્કૃતિના અનેક મૂલ્યવાન પાસાઓ લુપ્ત થઈ રહ્યા છે, તેથી આવી પહેલોને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ ઘટના નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક જાગૃતિનું પ્રતીક બની રહી છે. સ્થાનિક આદિવાસી નેતાઓએ પણ આ પરંપરાને સન્માન આપતાં કહ્યું છે કે દરેક સમાજે પોતાની મૂળ ઓળખને જાળવી રાખવી જોઈએ. આવી ઘટનાઓ આદિવાસી સમાજને તેમની વારસાગત સંસ્કૃતિ તરફ વધુ નજીક લઇ જશે.











