ધરમપુર: આજના ડીજે, લક્ઝરી કાર અને ભવ્ય શોભાયાત્રાના યુગમાં પરંપરાને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો અનોખો વરઘોડો ધરમપુર તાલુકાના વાંકલ ગામે જોવા મળ્યો છે. ચીખલી તાલુકાના કલ્યારી ગામના મહેન્દ્રભાઈના પુત્ર દીપેશના લગ્ન વાંકલના જલારામ ફળિયામાં યોજાયા હતા. જાન વાંકલ પહોંચ્યા બાદ કન્યા પક્ષના સગા-સંબંધીઓ પરંપરાગત બળદગાડામાં બેસી વરરાજા દીપેશને લેવા આવ્યા હતા. ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામેથી આવેલા આ વરઘોડામાં વરરાજા અને વધુ બંને બળદગાડામાં બેસી લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા.
વરઘોડા દરમિયાન આધુનિક ડીજે અને સંગીતને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યું હતું. તેના બદલે આદિવાસી પરંપરાગત વાઘ તૂર અને થાળીના તાલે જાનૈયાઓ ઉમંગભેર નૃત્ય કરતા જોવા મળ્યા હતા. આ અનોખા વરઘોડો જોવા માટે સ્થાનિકોની મોટી સંખ્યામાં ભીડ જમા થઈ હતી. વિશેષ વાત એ છે કે વરરાજા દીપેશ વકીલ છે અને વધુ સિવિલમાં નોકરી કરે છે. છતાં બંનેએ સાદગી અને પરંપરાને પ્રાધાન્ય આપ્યું. દીપેશે sv લગ્ન પ્રસંગને માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતા સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસ અને આધુનિકતા અપનાવવી જરૂરી છે, પરંતુ પોતાની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ભૂલવી ન જોઈએ.
આ ઘટના ધરમપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. યુવાનોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધારવામાં આ લગ્નસંગ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આજના એકવીસમી સદીમાં જ્યાં લગ્નમાં કરોડોનો ખર્ચ, ડીજે-બેન્ડ અને ફજૂલ ખર્ચનો રિવાજ વધી રહ્યો છે, ત્યારે દીપેશ અને તેમના પરિવારની આ સાદગીપૂર્ણ અને સાંસ્કૃતિક પરંપરાઓને વળગી રહેવાની ભાવના ઘણા માટે પ્રેરણારૂપ છે.











