ખેરગામ: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) હેઠળ રાજ્યની જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-૩ (ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ) તથા વર્ગ-૪ (પટાવાળા, ચોકીદાર, સ્વીપર)ની ખાલી જગ્યાઓને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ભરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ ઊભો થયો છે.
ખેરગામના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઇ પટેલે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આઉટસોર્સિંગ નીતિનો સખત વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ૧૧ જૂનના રોજ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રથી રાજ્યના લાખો બેરોજગાર યુવાનો, ખાસ કરીને ST, OBC, SC અને EWS વર્ગોના હિતોને ગંભીર નુકસાન થશે. ડો. પટેલે પત્રમાં લખ્યું છે કે અનામત વર્ગોને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ માત્ર નિયમિત અને કાયમી ભરતીમાં જ મળે છે. આઉટસોર્સિંગમાં અનામતના કોઈ નિયમો લાગુ પડતા નથી, જેના કારણે આ વર્ગોના હજારો યુવાનો સરકારી નોકરીની તકોથી વંચિત રહી જશે. આ નીતિ અનામત વ્યવસ્થા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતનો સીધો છેદ કરે છે.
મુખ્ય ચિંતાઓ:
• આઉટસોર્સ કર્મચારીઓને સમાન કામ માટે નિયમિત કર્મચારીઓ કરતાં ઘણો ઓછો પગાર મળે છે.
• PF, ESI અને પગારની ચૂકવણીમાં ખાનગી એજન્સીઓ દ્વારા વ્યાપક ગેરરીતિઓ અને વિલંબની ફરિયાદો વારંવાર આવે છે.
• વર્ષો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોનું ભવિષ્ય અંધારામાં જશે.
• ડેટા ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા પદો પર સંવેદનશીલ સરકારી ડેટા, વિદ્યાર્થીઓની માહિતી અને નાણાકીય વિગતોની હેન્ડલિંગ થાય છે. ખાનગી એજન્સીના કામચલાઉ કર્મચારીઓમાં ડેટા લીક, ભ્રષ્ટાચાર અને બેદરકારીનું જોખમ વધી જાય છે.
ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને સામાજિક ન્યાય જાળવવા માટે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને તમામ ખાલી જગ્યાઓ પર પારદર્શક રીતે નિયમિત સરકારી ભરતી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવે. આ વિરોધ પત્રને રાજ્યના બેરોજગાર યુવાનો અને અનામત વર્ગોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ યુવા અને સામાજિક સંગઠનો પણ આ મુદ્દે સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.











