સુરત: નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) દ્વારા પ્રથમ વર્ષ MBBSમાં માત્ર 4 પ્રયાસમાં પાસ થવું ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પ્રતિનિધિમંડળે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ સાથે મુલાકાત કરીને માંગણીઓ રજૂ કરી હતી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે NMCના નવા નિયમોને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને નબળા વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ, જેઓ ૧-૨ માર્કસના અંતરે નિષ્ફળ ગયા છે, તેમની કારકિર્દી ખતરામાં મુકાઈ ગઈ છે. આ કારણે તેઓએ પ્રથમ વર્ષ MBBSમાં પ્રયાસોની સંખ્યા 4 થી વધારીને 6 કરવા અને કોર્સના મહત્તમ સમયગાળાને 9 વર્ષથી વધારીને 10 વર્ષ કરવા SAC સમિતિની ભલામણ 5.7.4 અમલમાં મૂકવાની માંગ કરી હતી.
સુરત સાંસદ મુકેશભાઈ દલાલે આખી વાત સાંભળીને વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું કે આ મુદ્દો આરોગ્ય મંત્રાલય અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવીને યોગ્ય રાહત આપવા પ્રયત્નો કરશે. આ ઝુંબેશમાં ઉદયપુરના શૈલેન્દ્ર અને વલસાડના કેવલસિંહ તાવીયાડે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સુરત ભાજપ આદિવાસી સેલના આગેવાન ભાવેશ પટેલ સહિત અન્ય નેતાઓએ પણ વિદ્યાર્થીઓને પૂર્ણ સહયોગ આપ્યો હતો, જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
નવસારી જિલ્લાના યુથ લીડર અને જાણીતા સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે પણ આ મુદ્દે અપીલ કરી છે. તેમણે કહ્યું, “દેશના અન્ય કોઈ શિક્ષણ ક્ષેત્રમાં આવી મર્યાદા નથી, તો માત્ર મેડિકલ વિદ્યાર્થીઓ સાથે આવો અન્યાય કેમ? AIIMS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ૬ પ્રયાસની છૂટ આપે છે, તેથી NMCએ દેશભરના હજારો વિદ્યાર્થીઓના હિતમાં સંવેદનશીલ બનીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.” આ મુદ્દો હાલમાં દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે અને NMC સમક્ષ ફેરફારની માંગ વધુ તીવ્ર બની રહી છે.











