સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામની શરૂઆત વર્ષ 1987-88માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરાવી હતી. આ વાત આદિવાસી વિસ્તારના લોકોની સ્મૃતિમાં અંકિત છે.
ઉકાઈ ખાતે 1985 થી નોકરીમાં જોડાયેલા અને ભુરીવેલ કોલોનીમાં રહેતા આદિવાસી સમુદાયના સભ્યોએ જણાવ્યું કે તેઓ દર વર્ષે દેવમોગરા માતાજીના દર્શને જતા. તે સમયે સિંગલ રસ્તો અને ચઢાણવાળા માર્ગને કારણે એસઆરપી ગ્રુપની જાળીવાળી બસ દ્વારા મુસાફરી કરવામાં આવતી. આ સમયગાળા દરમિયાન અમરસિંહ ચૌધરી ત્રણેક વખત આ સ્થળે આવ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ચૂંટણી વખતે ફોર્મ ભરતા પહેલાં પણ તેઓ માતાજીના થાનકની મુલાકાત લેતા હતા.
સ્થાનિક આદિવાસી સમુદાયના ભગતો અને વૃદ્ધો હજુ પણ આ વાતને જીવંત રાખે છે. જે લોકો તે સમયના સાક્ષી છે તેઓ આ યાદોને વારંવાર વહેંચે છે. આ અંગે દમયંતીબેન ચૌધરીએ કહ્યું કે, “આ વાત પાર્ટી કે પક્ષ માટે નથી લખી, પરંતુ આ સ્થાન માટે જેમનું સૌથી મોટું યોગદાન રહ્યું છે તેમને યાદ કરવા માટે લખ્યું છે. અમરસિંહ ચૌધરીના પ્રયાસોને કારણે જ આ મંદિરના નવા બાંધકામની શરૂઆત થઈ હતી.” આજે પણ દેવમોગરા માતાજીનું સ્થાન આદિવાસી સમુદાય તેમજ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને અમરસિંહ ચૌધરીનું આ યોગદાન સ્થાનિકોની સ્મૃતિમાં અમર છે.
BY: દમયંતીબેન ચૌધરી (FB આલેખન આધારિત સમાચાર)











