માંગરોળ: માંગરોળ તાલુકાના વાંકલ ગામે DYSP બી.કે. વનારે રાજ્ય સેવા પોલીસ તેમજ અન્ય સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા તેમણે પરીક્ષાની સફળતા માટેના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

માંગરોળ-ઉમરપાડા વિસ્તારના શિક્ષિત યુવાનોને સરકારી નોકરીમાં તક મળે તે હેતુથી DYSP બી.કે. વનારના માર્ગદર્શન હેઠળ વાંકલ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ પહેલને સારો પ્રતિસાદ મળતાં વાડી વિસ્તારમાં પણ આવા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત વિવિધ સરકારી ભરતી પરીક્ષાઓ યોજાવાની હોવાથી DYSP વનારે વાંકલ ખાતે વિદ્યાર્થીઓના વર્ગની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે પરીક્ષા દરમિયાન સમયનું યોગ્ય આયોજન, પ્રશ્નો વાંચવામાં ધ્યાન, આત્મવિશ્વાસ અને યોગ્ય વ્યૂહરચના અત્યંત મહત્વની છે.

કાર્યક્રમના અંતે DYSP વનારે વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને મીઠું મોઢું કરાવ્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે માંગરોળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈ, તાલુકા પંચાયત સભ્ય ઊજાસ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારિયા, વાંકલ ગામ પંચાયત સભ્ય તેમજ સરપંચના પ્રતિનિધિ ઠાકોરભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here