રાંચી: (ઝારખંડ) CBSE-Central Board of Secondary Education એ ભારત સરકારનું રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ બોર્ડ છે, જે 1962માં સ્થાપિત થયું હતું. તે સમગ્ર ભારતમાં અભ્યાસક્રમ નક્કી કરે છે, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લે છે અને સ્કૂલોને અનુસંધાન (affiliation) આપે છે. આ બોર્ડના અભ્યાસક્રમ અને પરીક્ષાઓ ખૂબ જ વ્યાપક છે.

સાર્થક સિદ્ધાંત રાંચી (ઝારખંડ)ના 17 વર્ષના CBSE ધોરણ 12ના વિદ્યાર્થી છે. તેમણે અને તેમના સાથીઓએ CBSEની ડિજિટલ પેપર ચેકિંગ સિસ્ટમ એટલે કે OSM On-Screen Markingની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયામાં ચાલી રહેલી મોટી ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે. તેણે આ વર્ષે પોતે પરીક્ષા આપી હતી અને OSM સિસ્ટમમાં સમસ્યાઓનો સામનો કર્યો હતો.

તેમણે કઈ કઈ ગેરરીતિઓ પકડી? જ્યારે સાર્થકે પોતાની ઉત્તરવહી (આન્સર શીટ)ની સ્કેન કોપી જોઈ, ત્યારે તેમને મૂલ્યાંકન પ્રક્રિયામાં કંઈક ખોટું હોવાની શંકા ગઈ. તેમણે ટેન્ડરના દસ્તાવેજોનો ઊંડો અભ્યાસ કર્યો, જેમાં તેમણે 15 જેટલી ખામીઓ અને વિસંગતતાઓ શોધી કાઢી આ 17 વર્ષના છોકરાએ સરકાર હચમચાવી નાખી!:

(1) ચોક્કસ કંપનીને ફાયદો કરાવવો: CBSEએ કોઈ ખાસ સર્વિસ પ્રોવાઇડર કંપની (Coempt EduTeck)ને ફાયદો પહોંચાડવા માટે વારંવાર ટેન્ડરના નિયમો અને પાત્રતાના માપદંડો (Eligibility Criteria) બદલ્યા હતા.

(2) જૂના ટેન્ડરમાં ખરાબ પ્રદર્શન કે બ્લેકલિસ્ટિંગને લગતી ત્રણ કડક શરતો (ક્લોઝ) હતી, જેને નવા ટેન્ડરમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી હતી, જેથી તે વિવાદાસ્પદ કંપની ક્વોલિફાય થઈ શકે.

(3) તેમણે OSM પોર્ટલની સુરક્ષા અને માર્કિંગ સિસ્ટમની ટેકનિકલ ખામીઓ (જેમ કે અસ્પષ્ટ સ્કેનિંગ અને ગુમ થયેલા પાના) પણ ઉજાગર કરી.

(4) આ કંપની (કોએમ્પ્ટ) અગાઉ 2019માં અન્ય એક નામ ‘ગ્લોબરેના’ હેઠળ તેલંગાણામાં વિવાદમાં આવી ચૂકી હતી અને નામ બદલીને ફરીથી CBSEનો મોટો કોન્ટ્રાક્ટ મેળવી ગઈ હતી.

સાર્થક સિદ્ધાંતે આ સમગ્ર સંશોધન અહેવાલ સંસદીય સમિતિ (Parliamentary Standing Committee on Education) સમક્ષ દિલ્હીમાં રજૂ કર્યો. આ વિસ્ફોટક ખુલાસા બાદ સરકારે કડક પગલાં લેવા પડ્યા:

(1) તાત્કાલિક અસરથી CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની પદ પરથી બદલી (ટ્રાન્સફર) કરી દીધી.

(2) સરકારે આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા અને સર્વિસ ખરીદીમાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે ‘ક્ષમતા નિર્માણ આયોગ’ (CBC) ના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણની આગેવાનીમાં એક-સદસ્યીય ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી. આ કમિટીએ એક મહિનામાં અહેવાલ સોંપવાનો રહેશે.

(3) CBSE એ પોતાની ટેકનિકલ ખામીઓ સ્વીકારી છે અને વિદ્યાર્થીઓના હિત માટે રી-વેલ્યુએશન અને માર્કસ વેરિફિકેશન પ્રક્રિયાના પોર્ટલને સુધારીને ફરી શરૂ કર્યું છે.

સાર્થકની આ હિંમતભરી લડતને કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા મૂલ્યાંકન પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે મોટું આંદોલન છેડાયું છે.
▪️
NEET-National Eligibility cum Entrance Test ભારતમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS (ડેન્ટલ), AYUSH (આયુર્વેદ, હોમિયોપેથી વગેરે) અને નર્સિંગ જેવા અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા NTA-National Testing Agency નામની સરકારી સંસ્થા દ્વારા દર વર્ષે લેવામાં આવે છે. આ પરીક્ષા ઓફલાઇન (પેન અને પેપર – OMR શીટ) પદ્ધતિથી લેવાય છે, જેમાં ધોરણ 11 અને 12 ના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયોના MCQs પૂછવામાં આવે છે. 3 મે 2026 ના રોજ દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ, પરીક્ષા પૂરી થતાની સાથે જ રાજસ્થાનના સીકર અને અન્ય રાજ્યોમાંથી અહેવાલો આવ્યા કે પરીક્ષા પહેલા જ 120 થી 140 જેટલા પ્રશ્નો સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર Guess Paperના નામે લીક થઈ ગયા હતા, જે અસલી પેપર સાથે હૂબહૂ મેચ થતા હતા. દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા. વિદ્યાર્થીઓ અને વાલીઓના ભારે દબાણના કારણે 12 મે 2026 ના રોજ આખી NEET-UG 2026 પરીક્ષા રદ્દ કરવાની સરકારને ફરજ પડી. તેના કારણે વર્ષોથી મહેનત કરતા નિર્દોષ વિદ્યાર્થીઓને ભારે માનસિક આઘાત લાગ્યો છે. હવે આ પરીક્ષા 21 જૂન 2026 ના રોજ ફરીથી લેવાનું નક્કી કરાયું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પરીક્ષાની સુરક્ષા સિસ્ટમ વારંવાર નિષ્ફળ કેમ જાય છે? અને માફિયાઓ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કેમ રમી રહ્યા છે? જેના કારણે સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી રહ્યો છે. NEET પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ ખરેખર દેશના લાખો પરિવારો અને વિદ્યાર્થીઓ માટે અત્યંત પીડાદાયક અને ચિંતાજનક વિષય બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પર જે માનસિક દબાણ આવી રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. તણાવ અને હતાશાના કારણે અલગ-અલગ રાજ્યો (જેમ કે ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે) માંથી ઓછામાં ઓછા 4-5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં અંદાજે 14 અને છેલ્લા કેટલાક વર્ષોમાં NEET ના ભારે દબાણ તેમજ અનિશ્ચિતતાના કારણે કુલ 90 થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલ ‘ઇન્ડિયા ટુડે’એ આપ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ કે તંત્ર મોટી સમસ્યા સામે હોવા છતાં તેને નજરઅંદાજ કરે અથવા આંખો બંધ કરી લે, ત્યારે પ્રતીકાત્મક રીતે તેને ‘શાહમૃગ નીતિ’ કહેવામાં આવે છે. સરકારે શરૂઆતમાં પેપર લીકની વાત સ્વીકારવામાં કે કડક પગલાં લેવામાં વિલંબ કર્યો.

સરકાર એને કહેવાય જે ન છૂટકે પગલાં લે! સરકારને સાર્થક સિદ્ધાંત જેવા છોકરાથી ડર લાગે છે! rs [કાર્ટૂન સૌજન્ય: સતિષ આચાર્ય]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here